હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગલોડીયા ગામે જતા રોડ પર 6 દિવસ અગાઉ 2 વાહન વચ્ચે થયેલા અકસ્માતમાં ખેડબ્રહ્મા તાલુકાના ગાડુ ગામના તથા ઉદેપુર જિલ્લાના પાટવેલ ગામના મળી 2 જણાના ગંભીર ઈજાને કારણે મોત થયાની ફરિયાદ બુધવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. આ અંગે ગાડુ (ગુલાબપુરા) ગામના શૈલેષ ભીખાભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.3 જુલાઈના રોજ બપોરના સુમારે ખેડબ્રહ્મા-ગલોડીયા રોડ પર આવેલ એક ઢાબા પાસેથી પસાર થતાં પાટવેલ ગામના બાઈકચાલક અમૃત કાળુજી બરંડાએ બાઈક નં.આરજે.27એજે.1896ને લાયસન્સ વગર પુરઝડપે હંકારી સામેથી આવતા શૈલેષભાઈના ભાઈ જગદીશભાઈ ભીખાભાઈ (રહે.ગાડુ)ના બાઈક નં.જીજે.09ડીઆર.8747ને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેના લીધે ગંભીર રીતે ગવાયેલા ગાડુના જગદીશભાઈ અને પાટવેલના બાઈક ચાલક અમૃત બરંડાનું ગંભીર ઈજાને કારણે મોત નિપજયું હતું ત્યારબાદ શૈલેષકુમારે બાઈક ચાલક અમૃત બરંડા વિરૂધ્ધ બુધવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
