સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં રહેતી એક સગીરાને એક વર્ષ અગાઉ લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયા બાદ હિંમતનગર તાલુકાના આગીયોલ ગામના શખ્સે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની ફરીયાદ તત્કાલિન સમયે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે તપાસને અંતે ચાર્જશીટ ઈડરની પોકસો કોર્ટમાં રજુ કરી હતી જેની સુનાવણી તાજેતરમાં થતાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધિશે આ નરાધમને 20 વર્ષની કેદની સજા અને સગીરાને વળતર પેટે રૂ.1 લાખ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો. આ અંગે સરકારી વકીલ એન.એન.બારોટના જણાવાયા મુજબ વર્ષ 2025 માં વડાલીના એક પરિવારની સગીરાનું આગીયોલ ગામનો સંદીપ અરવિંદભાઈ ઉર્ફે ભરત રાવળ દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો ત્યારબાદ આ સગીરા પર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી હતી જે અંગે સગીરાના વાલીવારસોને ખબર પડતાં વડાલી પોલીસ સ્ટેશનમાં સંદીપ રાવળ વિરૂધ્ધ પોકસો એકટ અંતર્ગત ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ બે દિવસ અગાઉ આ કેસની અંતિમ સુનાવણી થતાં ન્યાયાધિશ એમ.વાય.રાધનપુરવાલાએ સરકારી વકીલની દલીલો તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી પોકસો એકટની વિવિધ કલમો અંતર્ગત સંદીપ રાવળને ગુનેગાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને સગીરાને વળતર પેટે રૂ.1 લાખ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.
