દિવાળીના તહેવાર પહેલાં સાબરકાંઠા જિલ્લામાં રાત્રે અને દિવસે ફરતા ઓવરલોડ વાહનોને કારણે ક્યારેક અકસ્માત થાય છે, તો કેટલીક વખત આવા મુસાફરો ભરેલા ઓવરલોડ વાહનો રોડ પર ખોટકાઈ જવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવે છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસે ગુરૂવારે રાત્રે ખેડબ્રહ્મા-ખેરોજ રોડ પર ઓવરલોડ મુસાફરો લઈ જતાં વાહનો સામે કાર્યવાહી કરીને 11 વાહનોને રૂ.5500નો દંડ કર્યો હતો અને 4 વાહનો સામે એનસીની ફરિયાદ દાખલ કરાવી હતી.
આ અંગે જિલ્લા ટ્રાફિક પોલીસના PSI એ.પી.માળીએ જણાવ્યું કે, કેટલાક મુસાફરોને બેસાડી અવર જવર કરવાની પરવાનગી ધરાવતા વાહનચાલકો અવાર નવાર પૈસા કમાવવાની લ્હાયમાં મુસાફરોની જીંદગી જોખમમાં મુકીને વાહનમાં બેસાડી રોડ પર બેફામ હંકારે છે જેના લીધે અકસ્માત થવાની શકયતા વધી જાય છે ત્યારે દિવાળી પૂર્વે જિલ્લા ટ્રાફિક પોલીસે ગુરૂવારે રાત્રે ખેડબ્રહ્માથી ખેરોજ જતા રોડ પર વાહન ચેકીંગ કર્યું હતું. ચેકીંગ દરમિયાન 11 વાહન ચાલકોએ પરમિટ કરતાં વધુ મુસાફરો બેસાડયા હોવાનું જણાયું હતું તથા કેટલાક ખાનગી વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને ઓવરસ્પીડમાં જતા હતા. જે જિલ્લા ટ્રાફિક પોલીસના અધતન કેમેરામાં આવતા પોલીસે તેમને અટકાવી નિયમોના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કર્યા બાદ ચાર વાહન ચાલકો વિરૂધ્ધ એનસીની ફરિયાદ દાખલ કરાવી હતી.
