ઇડર તાલુકાના ખેડૂતો બટાકાના વાવેતર માટે જાણીતા છે પરંતુ અગાઉના વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડયું છે. મોંઘા બિયારણ, દવા અને ખાતરના વધતા ખર્ચ વચ્ચે ખેડૂતોને પૂરતું વળતર ન મળતાં તેઓ દેવાના બોજ નીચે દબાઈ રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, કેટલાક વિસ્તારોમાં બટાકાનું બિયારણ ગુણવત્તાહીન નીકળતાં ઉત્પાદન પણ ઘટયું હતું. દરમિયાન રૂવચ ગામના ખેડૂત મિનેશભાઈએ ઇડરની બીયારણ વેચતા દુકાનદાર પાસેથી બટાકાનું બિયારણ ખરીદ્યું હતું પરંતુ બિયારણ ખરાબ નીકળતાં ઉત્પાદન ઓછું મળ્યાનો આક્ષેપ કરી ત્યારબાદ તેમણે બે મહિના અગાઉ જાદર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે. એટલુ જ નહીં પણ ઇડર તાલુકાના કેટલાક ખેડૂતોને બટાકાના વેચાણનું પેમેન્ટ હજુ સુધી મળ્યું નથી. જેના કારણે ખેડૂતોને ખેતી ખર્ચ, ઘરખર્ચ અને દેવાની ચૂકવણી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બટાકામાં નુકસાન ભોગવ્યા બાદ ખેડૂતોને ચોમાસુ પાકમાંથી કંઈક વળતર મળશે તેવી આશા હતી. આ આશા સાથે અનેક ખેડૂતોએ મગફળીનું આશરે 20 કિલો બિયારણ રૂ.3500ના ભાવે ખરીદ્યું છે. કેટલાક ખેડૂતોને વ્યાજે અથવા ધિરાણ લઈ દવા-બિયારણ ખરીદી કર્યા બાદ વાવણી કરવી પડી છે. પરંતુ હાલ વરસાદ ખેંચાતા મગફળીના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. હાલ તો ખેડૂતોએ ટપક તેમજ ફુવારા પદ્ધતિ પાકને બચાવવા મથી રહ્યો છે વરસાદ હજુ ખેંચાસે તો ચોમાસુ પાક પણ નિષ્ફળ જશે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: