તલોદ : સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આંત્રોલીથી રામપુરા કંપા જોડતો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર અનેક સ્થળોએ મોટા અને ઊંડા ખાડાઓ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે અકસ્માતનો ભય વધુ વકર્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પરથી દરરોજ વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ નાના-મોટા વાહનોની અવરજવર રહે છે. રસ્તા પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને વાહનો ધીમા હંકારીને પસાર થવું પડે છે, જેના કારણે અકસ્માતની સંભાવના સતત વધી રહી છે. રામપુરા કંપા પાસે પડેલા મોટા ખાડાઓને લઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં માર્ગના સમારકામ અંગે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ તંત્રને સવાલ કર્યો છે કે, શું કોઈ ગંભીર અકસ્માત સર્જાયા બાદ જ માર્ગની મરામત કરવામાં આવશે? તેમણે તાત્કાલિક ધોરણે આંત્રોલીથી રામપુરા કંપા સુધીના સમગ્ર માર્ગનું સમારકામ કરીને વાહનચાલકોને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સમયસર માર્ગનું સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી પૂરી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો