પ્રાંતિજ : ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો, પશુપાલકો તેમજ નગરજનો ચિંતિત બન્યા છે અને સૌ આતુરતાપૂર્વક મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે પ્રાંતિજના નાનીભાગોળ વિસ્તારમાં મહિલાઓએ પરંપરાગત રીતે મેઘરાજાને રીઝવવા માટે ઢુંઢીયા બાવજીની માટીની મૂર્તિ બનાવી અનોખી પ્રાર્થનાનું આયોજન કર્યું હતું. મહિલાઓ અને બાળકીઓએ ઢોલ-નગારાના તાલે વાજતે-ગાજતે ઢુંઢીયા બાવજીની મૂર્તિનો વરઘોડો કાઢયો હતો. વરઘોડો નેશનલ હાઈવે-48 પર આવેલા માર્કડેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચ્યો હતો. ત્યાં મહિલાઓએ ડેગરી-ડેગરીએ પાણી ભરી ભગવાન મહાદેવને જળાભિષેક કર્યો હતો તેમજ શિવલિંગને પાણીમાં ડૂબાડી સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ ઢુંઢીયા બાવજીની માટીની મૂર્તિને પાણીથી નવડાવી મંદિર પાછળ આવેલા બોખમાં વિધિવત્ પધરાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ મેઘરાજાને મનાવવા પરંપરાગત રીત-રિવાજો અનુસાર પ્રાર્થનાઓ કરી હતી અને વહેલી તકે સારો વરસાદ વરસે તેવી કામના વ્યક્ત કરી હતી. પ્રાંતિજ સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદના અભાવે ખેતીના કામો અટવાઈ ગયા છે. ખેડૂતો વાવણી માટે આકાશ તરફ્ મીટ માંડીને બેઠા છે, જ્યારે પશુપાલકો અને નગરજનો પણ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવા સંજોગોમાં મહિલાઓ દ્વારા યોજાયેલ આ ધાર્મિક અને લોકપરંપરાગત કાર્યક્રમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
