ઈડર તાલુકાના અબડાસણ ગામે સેવા મંડળીમાં તાજેતરમાં બેતાલીસ ગોળ આંજણા પાટીદાર સમાજ ટ્રસ્ટ ઈડર દ્વારા સમાજની કોર ટીમ તેમજ સહાયક સમિતિ દ્વારા સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર અંગે જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ઈડરની મેડિકેર હોસ્પિટલના ડો.અમિતએ ઉપસ્થિત મહિલાઓને કેન્સરના લક્ષણો, સમયસર તપાસ અને સારવાર અંગે માર્ર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પરિવારમાં કોઈને કેન્સરનો ઇતિહાસ હોય તેવી મહિલાઓએ નિયમિત તપાસ કરાવવી જોઈએ. સ્તન કેન્સરની વહેલી તકે જાણ થાય તો સમયસર સારવાર મેળવી શકાય છે. હિંમતનગર ખાતે મેમોગ્રાફી દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ છે.

આ સમાજ દ્વારા અત્યારસુધીમાં સર્વજ્ઞાતિય અંદાજે 530 મહિલાઓની તપાસ કરાવવામાં આવી છે. નોમિનલ ટોકનથી મહિલાઓને તપાસ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવવા-જવાની સગવડ,ભોજનની વ્યવસ્થા પણ સમાજ દ્વારા કરવામાં આવે છે. કાર્યક્રમમાં જણાવાયું હતું કે, શહેરની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓમાં કેન્સર અંગે જાગૃત્તિનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ખેતીકામ અને પશુપાલનની જવાબદારીઓ વચ્ચે મહિલાઓ ઘણીવાર પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવવાનું ટાળે છે.પરિણામે રોગનું નિદાન મોડું થવાની શક્યતા રહે છે. આ અભિયાન પાછળની પ્રેરણા અંગે જણાવતાં દલજી પટેલ, રમણ પટેલ, અરવિંદ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં જણાવાયું હતું કે, અગાઉ કડિયાદરા અને ચોરીવાડ ગામની મહિલાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ,સંજીવની રથ સાથે આવતી ડોક્ટરની ટીમ તપાસ માટે આવતી હતી. હવે દીવ દાદરાનગર હવેલીના પ્રફુલ પટેલનાં ધર્મપત્નીનું કેન્સરના કારણે અવસાન થયા બાદ તેમણે સમાજની મહિલાઓને સમયસર તપાસની સુવિધા મળી રહે તે હેતુથી બે મેમોગ્રાફી મશીન હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આપ્યાં છે. બેતાલીસ ગોળ આંજણા પાટીદાર સમાજ દ્વારા હવે દરરોજ સર્વ સમાજની માતાઓ, બહેનો અને દીકરીઓ માટે કેન્સર જાગૃત્તિ અને તપાસ અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃત્તિ વધે અને સમયસર રોગનું નિદાન થઈ શકે તેવો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો