ગુરૂપૂર્ણિમા નિમિત્તે બુધવારે ગુજરાતના મુખ્યમંત્રીએ વિજયનગર તાલુકાના ઈટાવડી ગામે બિરાજમાન રામેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તથા પરંપરાગત શ્રાદ્ધા અને ભક્તિ સાથે ભગવાન મહાદેવના ચરણોમાં શિશ ઝુકાવી જિલ્લા તેમજ રાજ્યની જનસુખાકારી, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ગુરૂપૂર્ણિમાના આ પર્વને લોકકલ્યાણના સંકલ્પ સાથે જોડી મુખ્યમંત્રીએ આધ્યાત્મિક ઊર્જા મેળવી હતી.

ધાર્મિક મુલાકાત દરમિયાન તેમણે મંદિરના સ્થાપક સુકદેવજી મહારાજના શ્રાદ્ધાપૂર્વક દર્શન કરી મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મુખ્યમંત્રીએ ભગવાન રામેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ગુજરાતની પ્રગતિ અવિરત ચાલુ રહે તેવી મંગલ કામના કરી હતી. આ વિશિષ્ટ અવસરે તેમણે બાપા સુખદેવજી ધામના ગાદીપતિ અને મહંત જગનાજી બાપુની મુલાકાત લઈ મહંતના આશીર્વાદ ગ્રહણ કરી ગુરૂવંદના કરી હતી. આ પ્રસંગે મંદિરના ગાદીપતિ જગનાજીબાપુ દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરાયું હતું. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ મંદિર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે પણ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, પૂર્વ સાંસદ રમીલાબેન બારા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, અગ્રણી કનુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુ અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ સહિતના અગ્રણીઓએ કાર્યક્રમમાં સહભાગી થઈ દર્શનનો લાભ લીધો હતો.