હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચાંપલાનાર ગામ છેલ્લા કેટલાક દિવસોથી એટ્રોસીટીની ફરિયાદોને લઈ ચર્ચામાં આવી છે ત્યારે બે દિવસ અગાઉ મૂળ ચાંપલાનાર ગામના અને ભાજપના ઉપપ્રમુખ કમલેશ બારોટ વિરૂધ્ધ નોંધાયેલી એટ્રોસીટીની ફરિયાદ બાદ બુધવારે મહિલા સરપંચે પંચાયતના સદસ્ય અને સહકારી સંસ્થામાં હોદ્દો ભોગવતા રાજકીય અગ્રણી વિરૂધ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવાતા સમગ્ર જિલ્લામાં આ મુદ્દો ચર્ચાની એરણે ચઢયો છે. આ અંગે ચાંપલાનાર ગામના મહિલા સરપંચ શિતલબેન હરેશભાઈ વાલ્મિકીએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગત તા.29મી સપ્ટેમ્બરના રોજ સવારના સુમારે ગ્રામ પંચાયતમાં આવેલા સદસ્ય અને સહકારી સંસ્થાના અગ્રણી ભક્તિસિંહ સરદારસિંહ મકવાણાએ આવી મહિલા સરપંચને કહ્યું હતું કે, મે તને સરપંચ બનાવી છે તેમ કહી અપશબ્દો બોલી જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણો કર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે, જોકે ખોબા જેવડા ગામમાં ખુબજ ટૂંકાગાળામાં નોંધાયેલી એટ્રોસીટીની બે ફરિયાદોને લઈને સમગ્ર જિલ્લામાં તે ચર્ચામાં રહ્યો છે. જોકે આ બંને ફરિયાદ પાછળ રાજકીય અથવા તો સ્થાનિક રાજકારણ જવાબદાર હશે કે નહીં તે મુદ્દે મતમતાંતર છે એ જે હોય તે હાલ તો આ મુદ્દો રાજકીય અગ્રણીઓ માટે ચિંતાનું કારણ બને તો નવાઈ નહીં. દરમિયાન એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે જિલ્લા ભાજપના અગ્રણીઓ આ મુદ્દે પદાધિકારી વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ બાદ કેવું વલણ અપનાવશે તે જોવું રહયું.
