સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી પોશીના તાલુકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેરફ્ળો
પ્રાથમિક શાળાના શિક્ષક અને હાલ દેમતીકાઠાં ક્લસ્ટરમાં પ્રતિનિયુક્ત સી.આર.સી. (CRC) તરીકે ફરજ બજાવતા રોબિનભાઈ પટેલ સામે ફરજમાં સતત ગેરહાજરી અને ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આટલા ગંભીર આક્ષેપો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, સ્થાનિક સ્તરે કોઈ મોટા રાજકીય નેતાના આશીર્વાદ હોવાની લોકચર્ચાએ જોર પકડયું છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, શિક્ષક શાળામાં હાજર રહેવાને બદલે ખેરફ્ળો ગામની જ એક સ્થાનિક બહેનને માસિક માત્ર રૂ.2000 ચૂકવી પોતાના બદલે શૈક્ષણિક કાર્ય કરાવતા હતા. શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ, શૈક્ષણિક સંગઠનના હોદ્દેદાર સી.આર.સી. તરીકે રહી શકતા નથી, છતાં તમામ નિયમો નેવે મૂકી તેઓની
નિમણૂક કરાઈ હોવાનો આરોપ છે. નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશોત્સવના ત્રણ દિવસ અને જુલાઈ મહિનામાં માત્ર 4 દિવસ (તારીખ 3, 8, 14, 20) સિવાય તેઓ ક્લસ્ટરની શાળાઓમાં કે બાળકો-શિક્ષકોના માર્ગદર્શન માટે ક્યારેય હાજર રહ્યા નથી. CRC તરીકે રોજેરોજ શાળાઓની મુલાકાત લઈ સવાર-સાંજ સેલ્ફી સાથે ડાયરી નિભાવવાની હોય છે. તેના બદલે તેઓ શૈક્ષણિક સંઘના હોદ્દાનો રોફ્ જમાવી મારે કોઈ કામ કરવાનું રહેતું નથી, માત્ર પ્રચાર અને ગાંધીનગર કક્ષાનું
કામ કરવાનું હોય છે તેમ કહી પોતાની ફરજથી અળગા રહી સરકારી તિજોરીમાંથી ખોટો પગાર મેળવી રહ્યા છે. આ બાબતે અગાઉ તત્કાલીન TPO, BRC તેમજ શિક્ષણ મંત્રી, અગ્ર સચિવ અને નિયામક સુધી લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આદિવાસી વિસ્તારના ગરીબ બાળકોના શિક્ષણ સાથે થઈ રહેલા ચેડાં સામે સ્થાનિક
પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ 'ભૂતિયા સીઆરસી' સામે તાત્કાલિક તપાસ કરી દાખલારૂપ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો