સાબરકાંઠાના વડામથક હિંમતનગરમાં ચાલુ વર્ષે બે- બે રથયાત્રા નીકળવાની હોવાથી શહેરીજનોમાં ભારે અવઢવની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, એક રથયાત્રા નિયત દિવસે પરંપરાગત એટલે કે અષાઢી બીજ તા.16મી જુલાઈને ગુરુવારે નીકળશે. જયારે ઈસ્કોન સંસ્થા દ્વારા નિયત દિવસના બદલે 2 દિવસ બાદ તા.18મી જુલાઈને શનિવારે રથયાત્રા કાઢવાનું જાહેર કરવામાં આવ્યુ છે. જેના કારણે મોટાભાગના હિંદુ સંગઠનો અને શહેરીજનો સંસ્કૃત્તિ અને પરંપરા સાથે ચેડાં કરવાનો આક્ષેપ ઈસ્કોન સંસ્થા સામે કરી રહ્યા છે. હિંમતનગરમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની બે અલગ- અલગ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ રથયાત્રા અષાઢી બીજના પાવન દિવસે તા.16મી જુલાઈએ યોજાશે, જ્યારે બીજી રથયાત્રા અષાદ સુદ પાંચમ એટલે કે તા.18મી જુલાઈએ ઇસ્કોન વડોદરાની સત્તા હેઠળ ભક્તિવેદાંત આશ્રામ દ્વારા પ્રથમ વખત યોજાશે. બંને રથયાત્રાઓ અલગ-અલગ સ્થળેથી પ્રસ્થાન કરીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે. આ દરમિયાન ઈસ્કોન દ્વારા અષાઢી બીજના પાવન દિવસના બદલે બે દિવસ પછી રથયાત્રાનું આયોજન કરાયું હોવાથી સમસ્ત શહેરમાં આ મુદે ભારે ચર્ચા સ્પદ બન્યો છે અને શહેરીજનોના મનમાં વિરોધનો સુર નીકળી રહ્યો છે.
