સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વર્ષોથી કાર્યક્ષેત્ર ધરાવતી બે સહકારી સંસ્થાઓ ઉપરાંત અન્ય સહકારી સંસ્થાઓમાં વર્ષોથી પૈસાના જોરે દેખાવ ખાતર ચૂંટણી લડીને હોદ્દો ભોગવતા સહકારી અગ્રણીઓએ આ બધી સહકારી સંસ્થાઓને પોતાની જાગીર સમજીને સગાવાદ ચલાવીને પોતાની ઈચ્છા થાય ત્યારે બોર્ડમાં ઠરાવ કર્યા બાદ જિલ્લા રજીસ્ટાર સહિત રાજયના સહકાર વિભાગની મંજુરી લીધા બાદ જાહેરાતો આપીને કર્મચારીઓની ભરતી કરીને સગાવાદ ચલાવી લાખો રૂપિયા લીધા બાદ લાયકાત ન હોવા છતાં નોકરી આપીને આ સહકારી સંસ્થાઓની આર્થિક કમર તોડી નાખવામાં કશુ બાકી રાખ્યું નથી. ત્યારે તેમાં સામાજીક રીતે વેવાઈ-વેવાણના નાતે સાબરકાંઠા બેંકમાં સત્તા પર રહીને ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરીને હોદ્દા પર રહી કાયદાની છટક બારીઓ શોધીને મુદત પુરી થાય ત્યાં સુધી હોદ્દા પર રહી જે કરતુત કર્યા છે તે હવે જગજાહેર થઈ ગયા છે. વાત જાણે એમ છે કે વર્ષો અગાઉ જયારે સાબરડેરી અને સાબરકાંઠા બેંકની સ્થાપન થઈ ત્યારે આ બંને સંસ્થાઓમાં ગ્રામિણ પ્રજા પાસેથી શેરભંડોળ લીધા બાદ તે પૈસામાંથી સ્થાપકોએ આ બંને સહકારી સંસ્થાઓનો પાયો નાખ્યો હતો ત્યારબાદ સમય જતાં સાબરડેરી અને સાબરકાંઠા બેંક આજે સફળતાના શિખરો સર કરીને સમગ્ર ગુજરાતમાં નામના મેળવી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ બંને સંસ્થાઓમાં વગ વાપરીને અવાર નવાર ડિરેકટર બન્યા બાદ તેઓએ મામકાઓને નોકરી અપાવવાના બહાને જાહેરાતો આપીને ભરતી કરવા માટે ખાનગી એજન્સીને લાખો રૂપિયા આપીને આ સંસ્થાના સહકારી અગ્રણીઓ જાણે કે અમે પ્રમાણિકતાથી ભરતી કરવા માંગીએ છીએ તેવી છાપ ઉભી કરીને કાયદાનો ભંગ ન થાય તે માટે દેખાવ ખાતર લેખિત પરીક્ષા લીધા બાદ ડિરેકટરોની સુચના મુજબ મૌખિક ઈન્ટરવ્યું લઈને રાતો રાત નોકરીના ઓર્ડર આપી દીધા હોવાના પુરાવા પ્રજા પાસે છે. પરંતુ તેઓ કોર્ટનો આશરો લેતા હોવા છતાં આ સહકારી અગ્રણીઓ પોતાનો ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે મોટા વકીલોને તગડી ફી આપીને હાઈકોર્ટ તથા નોમીનીઝ કોર્ટમાં કેસ ચાલુ હોય તો પણ કાયદાની છટક બારી શોધીને પોતાના લાગતા વળગતાઓને નોકરી પર બેસાડીને છ કે બાર મહિના બાદ ખાનગીમાં કાયમી કરી દે છે અને પગાર પણ વધારી આપે છે. એકાદ વર્ષ અગાઉ સાબરકાંઠા બેંક તથા તેના પૂર્વે સાબરડેરીએ જે ઉમેદવારોને પસંદ કરી નોકરી આપી છે તેમની પાસેથી ઉમેદવાર દીઠ રૂ. 30 થી 40 લાખ લઈ લીધા છે. ખાસ કરીને સામાન્ય વર્ગમાંથી આવતાં તથા લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારોભાર અન્યાય થયો છે. અહીં પણ કેટલાક કિસ્સાઓમાં લાયકાત અને ઉંમરનો બાધ રાખવામાં આવ્યો નથી જે મામલે ગમે તે એક સંસ્થામાં કરાયેલી ભરતી મામલે અરવલ્લી જિલ્લાની એક સહકારી સંસ્થાના ચેરમેને હાઈકોર્ટમાં જરૂરી પુરાવા અને દસ્તાવેજો સાથે રીટ કરી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ અંતિમ ચુકાદો આવ્યો નથી તેમ છતાં બંને જિલ્લાના સહકારી અગ્રણીઓ તક મળે ત્યારે પોતાનું ધાર્યું કરી લેવાની એકપણ તક ચુકતા નથી. હાલના તબક્કે સાબરડેરી અને સાબરકાંઠા બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી જુથવાદને કારણે સરકારને મોકુફ રાખવાની ફરજ પડી છે જેના લીધે બંને જિલ્લાના સહકારી અગ્રણીઓની હાલના તબક્કે દિવાળી બગડી ગઈ હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે. એટલુ જ નહીં પણ કેટલાક સહકારી અગ્રણીઓએ પોતાના મોબાઈલ બંધ કરી જાહેર સંપર્કો પર અલ્પવિરામ મુકી દીધુ છે. એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે દિવાળીના તહેવારો દરમ્યાન રૂબરૂ મુલાકાતે આવતાં હિતેચ્છુઓ અને રાજકીય તથા સહકારી અગ્રણીઓ સમક્ષ ભ્રષ્ટાચાર અને અન્ય બાબતો અંગે ચર્ચા ન કરવી પડે તે માટે કેટલાક તો રાજય બહાર જતા રહયા છે. પરંતુ સહકારી ક્ષેત્રમાં ચાલતી તમામ હિલચાલથી વાકેફ રહેવા માટે કેટલાક બાતમીદારો સાથે સતત સંપર્ક રાખી રહયા છે ઠીક છે. આ બંને સહકારી સંસ્થાઓમાં પ્રમાણિકતાથી વહીવટ કરે તેવા કુશળ ડિરેકટરો અને અધિકારીઓના હાથમાં સંચાલનનું સુકાન સોંપવામાં નહીં આવે તો ભવિષ્યમાં શું થશે તેની કલ્પના કરવી રહી.
