સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં શુક્રવારે જિલ્લા કક્ષાની ટેલિકોમ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત સરકારના ટેલિકોમ વિભાગ, ગુજરાત એલ.એસ.એ.ના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો ઉદ્દેશ્ય જિલ્લાના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે ટેલિકોમ માળખાકીય પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવાનો અને ભારત સરકારના સંચાર મંત્રાલયની વિવિધ યોજનાઓના અમલીકરણને વેગ આપવાનો હતો. સાબરકાંઠામાં આયોજિત 48 પૈકી બાકી રહેલા 20 સ્થળો માટે જમીન ફાળવણીની કામગીરીને અગ્રતા આપવા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે આ પ્રોજેક્ટના સમયસર અમલીકરણ માટે સહયોગની ખાતરી આપી હતી. જમીન સંપાદન સાથે જોડાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવીને બાકીના સ્થળોએ ટેલિકોમ ટાવરની સ્થાપના કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી જિલ્લાના અત્યારસુધી કનેક્ટિવિટીથી વંચિત રહેલા છેવાડાના ગામો સુધી સીમલેસ હાઈ-સ્પીડ 4જી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાશે. ટેલિકોમ વિભાગ દ્વારા આગામી સમયમાં જિલ્લા કક્ષાના વિશેષ જાગૃત્તિ કાર્યક્રમો યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં કોલ બીફોર યુ ડિગ, રાઈટ ઓફ વે, સંચાર સાથી પોર્ટલ અને ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જાગૃત્તિ જેવા વિષયો પર નાગરિકોને માહિતગાર કરવામાં આવશે. માત્ર સંદેશાવ્યવહાર જ નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને વિવિધ ઓનલાઇન સરકારી સેવાઓનો લાભ ગ્રામીણ જનતા સુધી વધુ અસરકારક રીતે પહોંચી શકશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ક્રિષ્ના વાઘેલા, ટેલિકોમ વિભાગના ડાયરેક્ટર ડૉ.કે.બી.શર્મા અને વન વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
