સાબરકાંઠા જિલ્લામાં ઘણા સમયથી ખનીજ માફીયાઓ દ્વારા ખનીજ ચોરી કરાઇ રહી છે. ત્યારે કેટલાક ખનીજ ચોરો કાયદા કાનુનનો ભય રાખ્યા વગર માફીયા રાજને આગળ વધારી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ઇડર તાલુકાના ચાંડપ અને હડોલની સીમમાંથી પસાર થતી સાબરમતી નદીમાં તપાસ માટે ગયેલી જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમને જોઇ એક ડમ્પરનો ચાલક પોતાનું ડમ્પર લઇને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પીછો કરાયો ત્યારે ડમ્પર ચાલકે રસ્તામાં રેતી ઠાલવી દઇને ભૂસ્તર વિભાગના અધિકારીઓના વાહનને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ ખનીજ માફીયાઓની આવી હરકતોને લઇને સ્થાનિક પ્રજામાં ચર્ચા શરૂ થઇ છે. ગ્રામજનોએ કરેલા આક્ષેપ મુજબ, ચાંડપ-હડોલ વિસ્તારમાં સતત નદીની રેતી ભરીને દોડતા ડમ્પરોના વાહન ચાલકોનું ડ્રાઇવીંગ ખુબ જ જોખમી હોય છે. તેઓ નાના-મોટા વાહનની કે રાહદારીની પરવા કરતા નથી. જેથી ગમે ત્યારે અકસ્માત થવાની શકયતા નકારી શકાતી નથી. દરમિયાન ભૂસ્તર વિભાગના અધિકારી કિશન પટેલના જણાવ્યા મુજબ, તેમને મળેલી બાતમી બાદ તેમની ટીમ ચાંડપ-હડોલની સીમમાં તપાસ માટે પહોંચી હતી. પરંતુ સરકારી વાહન જોઇને એક ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો હતો. જેથી ભૂસ્તર વિભાગ દ્વારા તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. તથા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, ગેરકાયદે રેતી ખનન અંગે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક ગેરરિતીઓ બહાર આવે તેવી શકયતા છે. તથા જાહેર રસ્તા પર થઇને અવર જવર કરતાં ડમ્પર ચાલકો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવાની જરૂર હોવાનો મત વ્યકત કરવામાં આવ્યો હતો.
