સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરનો દિનપ્રતિદિન વિકાસ વધી રહ્યો હોવાને કારણે સ્થાનિક તેમજ જિલ્લાના અન્ય સ્થળેથી આવતા લોકોની અવરજવર તથા રેલવે તંત્ર દ્વારા અસારવાથી હિંમતનગર થઇ રાજસ્થાન અને અન્ય રાજયોમાં જતી બ્રોડગેજ રેલવે લાઇન નિકળતી હોવાને કારણે ટ્રેનોની વધુ અવરજવર લઇને સ્થાનિકોને મુશ્કેલી ન પડે તે માટે રેલવે તંત્ર દ્વારા અંદાજે રૂપિયા 18 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ત્યારે આગામી થોડા દિવસોમાં દુર્ર્ગા ઓવરબ્રિજના નામે ઓળખાતો આ ઓવરબ્રિજનું લોકાપર્ણ થઇ શકે છે. ત્યારે હાલ મોટાભાગનું કામ પૂર્ણ થઇ ચુકયું છે. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર શહેરમાં આવેલી જૂની સિવિલ સર્કલથી છાપરિયા ચાર રસ્તા સુધીના 700 મીટર લાંબા દુર્ર્ગા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ બ્રિજનું કામ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ત્યારબાદ બ્રિજ વાહનવ્યવહાર માટે શરૂ કરી શકાશે. જૂની સિવિલ સર્કલથી દુર્ર્ગા બજાર થઈને છાપરિયા સુધી જતા આ બ્રિજ માટે અંદાજે રૂપિયા 18 કરોડની મંજૂરી મળી હતી. જેમાં દુર્ર્ગા બજાર તરફનો ભાગ તૈયાર થઈ ગયો છે અને સિવિલ તરફનું કામ ચાલુ છે. 19 પિલ્લર પર સાબરકાંઠા જિલ્લાના પ્રવાસન સ્થળોના ચિત્રોનું બ્રિજના નીચેના ભાગમાં રંગરોગાનની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત બ્રિજના 19 પિયર પર પેઇન્ટિંગ કરાઇ રહ્યું છે. દુર્ર્ગા બજાર તરફના પિયર પર સાબરકાંઠા જિલ્લાના જાણીતા અને ઐતિહાસિક સ્થળોનાં ચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં પ્રસિદ્ધ અંબાજી મંદિર, ખેડબ્રહ્મા અને શામળાજી મંદિરનો સમાવેશ થાય છે. ઉપરાંત નાગરિકોમાં સામાજિક જાગૃત્તિ લાવતા ચિત્રો તેમજ મંદાકિની વિશ્વના અવકાશી દૃશ્યનું ચિત્રણ પણ કરવામાં આવ્યું છે. દિવાલ અને રેમ્પના નિર્માણ બાદ પેઇન્ટિંગ થશે. અત્યારે સિવિલ સર્કલ તરફના ભાગમાં બ્રિજ પર રંગકામની શરૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારમાં બ્રિજની બાજુની દિવાલ અને રેમ્પ બનાવવાનું બાંધકામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બાંધકામની આ કામગીરી સંપૂર્ણપણે પૂરી થયા બાદ સિવિલ તરફના પિયર પર પણ આકર્ષક પેઇન્ટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
