સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નકલી ખાદ્યચીજો, વસ્તુઓ તથા નકલી અધિકારીઓના કરતુતોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ત્યારે થોડાક સમય અગાઉ નકલી દૂધનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો ત્યારે સાબરકાંઠા જિલ્લા ફુડ વિભાગ દ્વારા મંગળવારે હિંમતનગર તાલુકના રાયઢગ ગામે ખાદ્યચીજોનું વેચાણ કરતાં એક વેપારીના ઘરમાંથી અંદાજે રૂ.50 હજારની કિંમતનું નકલી ઘી તથા ભેળસેળ માટે વપરાતી ચીજવસ્તુઓ પકડીને પૃથ્થકરણ માટે નમુના લઈને પ્રયોગ શાળામાં મોકલાયા છે.
આ અંગે જિલ્લા ફુડ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાયગઢ ગામે રહેતા અને ફુડ બિઝનેસ ઓપરેટર તરીકે વ્યવસાય કરતાં ખુબીરામ શિવચરણલાલ શર્મા પોતાના ઘરે નકલી ઘી બનાવવાનું કારખાનું ચલાવતા હતા જે અંગે ફુડ વિભાગને મળેલી માહિતી બાદ મંગળવારે ફુડ વિભાગની ટીમે રાયગઢ જઈ ખુબીરામ શર્માના ઘરની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ઘરમાંથી રૂ.15,600નું 39 કિલો રીફાઈન્ડ સોયાબીનનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન અધિકારીઓએ રૂ.10,788ની કિંમતનું 58 કિલો લુઝ ઘી, રૂ.16,808ની કિંમતનું 88 કિલો વનસ્પતિ ઘી તથા રૂ.6,900ની કિંમતનો 23 કિલો સફેદ પાઉડર મળી અંદાજે રૂ.50,096નો મળી 208 કિલો ગ્રામ જથ્થો મળી આવતાં આ તમામ જથ્થાને સીઝ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના નમુના લેવામાં આવ્યા હતા. પૃથ્થકરણના અહેવાલ બાદ ભેળસેળ કરનાર ખુબીરામ શર્મા વિરૂધ્ધ જરૂર પડે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાંથી દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન ફુડ વિભાગ દ્વારા દરોડા પાડીને શંકાસ્પદ જથ્થો પકડવામાં આવે છે ત્યારબાદ પ્રયોગ શાળામાં મોકલાયા પછી લાંબા સમય સુધી તેનો અહેવાલ આવતો નથી ત્યારે કેટલાક વેપારીઓ આવો શંકાસ્પદ જથ્થો વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે ત્યારે સરકાર દ્વાર કાયદામાં સુધારો કરીને ગુનેગારો વિરૂધ્ધ તરત જ સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે તેવું પ્રજા ઈચ્છી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam