સાબરકાંઠા જિલ્લામાં એક અઠવાડિયાથી સતત વરસાદી માહોલ રહ્યો હોવાને કારણે ખેડૂતોએ ખેતરોમાં વાવેતર કરેલ વિવિધ પાકોને સૂર્ય પ્રકાશ ન મળવાને કારણે તથા સતત રહેલા ભેજવાળા વાતાવરણને લઈને વિવિધ પાકોમાં ફૂગ અને અન્ય જીવાતનો ઉપદ્રવ વધ્યો હોવાને કારણે ખેડુતોએ તેને અટકાવવા માટે દવાઓનો છંટકાવ તથા ખાતરો નાખવાનું શરૂ કરી દીધું છે.
દરમિયાન છેલ્લા ચાર દિવસથી વાતાવરણ ખુલ્લું થતાં ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે. પાકોને જીવાત અને રોગોથી બચાવવા માટે ખેડૂતો ખેતરોમાં જઈ જરૂરી દવાઓનો છંટકાવ શરૂ કરી દીધો છે. કૃષિ નિષ્ણાતો પણ ખેડૂતોને પાકનું સતત નિરીક્ષણ રાખી યોગ્ય સમયે ભલામણ મુજબ દવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે, જેથી પાકને વધુ નુકસાનથી બચાવી શકાય અને સારો ઉત્પાદન મળી રહે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોએ મોટા પ્રમાણમાં મગફળી, કપાસ, મકાઈ, સોયાબીન સહિત ડાંગર અને અન્ય કઠોળ પાકોનું વાવેતર કર્યું છે ત્યારે કેટલોક સમય વિવિધ પાકના છોડને સૂર્ય પ્રકાશની જરૂર હોય છે જે અત્યારે પડી રહેલો સૂર્ય પ્રકાશ પાકને ફાયદો કરાવશે.
