ઇડર પંથકમાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ અને બાજરીની ખરીદી શરૂ કરાઈ છે ત્યારે ખેડુતોએ અગાઉ મકાઈ અને બાજરી વેચવા માટે નોંધણી કરાવ્યા બાદ તેઓ ખરીદ કેન્દ્રો પર પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે તંત્ર દ્વારા કોઈ સુવિધા ઉભી કરવામાં આવી ન હોવાને કારણે ખેડુત આલમમાં રોષની લાગણી પ્રસરી છે.


આ અંગે મળતી માહિતી મુજબ, ઈડર તાલુકામાં અગાઉ એશિયનશ સિરામિક ફેક્ટરી તરીકે કાર્યરત અને હાલમાં બંધ એવી ફેક્ટરી ખાતે ટેકાના ભાવે મકાઈ અને બાજરીની ખરીદી કરવામાં આવી રહી છે. જયાં અનાજ વેચવા આવેલ ખેડૂતનો નંબર આવે તે પહેલા અનેક ખેડૂતો સવારથી જ ટ્રેકટર લઈને પહોંચી જાય છે. પરંતુ એક સમયે ફકત ત્રણ ટ્રેક્ટર એક સાથે લેવામાં આવતા હોવાથી ખેડૂતોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ટ્રેક્ટરનું વજન કાંટા પર કર્યા બાદ મકાઈ અથવા બાજરી ગોડાઉનમાં ખાલી કરવામાં આવે છે અને ત્યારબાદ 50 કિલોની બેગોમાં ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર્ર પ્રક્રિયામાં ઘણો સમય લાગતો હોવાથી ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતો માટે બેસવાની કે છાંયડાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. ઉપરાંત, એસીયન ફેક્ટરી બજાર વિસ્તારથી દૂર આવેલી હોવાથી અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ખરીદ કેન્દ્રમાં છાંયડો, બેસવાની વ્યવસ્થા તેમજ પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: