બનાસકાંઠાની જેમ સાબરકાંઠામાં પણ છેલ્લા કેટલાક વર્ષથી ખેડૂતોએ ઘઉં અને મગફળી તથા બાજરીના પાકને બદલે બટાકાનું વાવેતર કરવામાં રસ દાખવી રહ્યા છે. ત્યારે આ વર્ષે સાબરકાંઠાના તમામ તાલુકાઓમાં ચોમાસામાં પડેલા ઓછા વરસાદને કારણે ભૂર્ર્ગભ જળ ઉંડા ગયા છે. તો બીજી તરફ બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પોસાતુ ન હોવાને કારણે તમામ તાલુકાઓમાં રહેતા અંદાજે 30 ટકાથી વધુ ખેડૂતોએ બટાકાની વાવણી કરવાનું બંધ કરી દીધું છે. જોકે બિયારણ આપતી અને તૈયાર થયા બાદ ખેડૂતો પાસેથી બટાકાની ખરીદી કરતી ખાનગી કંપનીઓએ ખેડૂતોની માંગણીને ગ્રાહ્ય રાખીને ખરીદ ભાવમાં વધારો જાહેર કર્યો છે. પરંતુ વાવણીના સમયે બટાકાના પાકને માફક આવે તેવી ઠંડી પડતી ન હોવાને કારણે કેટલાક ખેડૂતોએ બટાકાનું વાવેતર ઘટાડી દીધુ છે. તેમ છતાં જિલ્લામાં અત્યારે અનેક ખેડૂતો બટાકાની વાવણી કરવામાં લાગી ગયા છે.
સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઇડર અને વડાલી તાલુકામાં ખેડૂતો વર્ષોથી ટપક સિંચાઇના સહારે બટાકાનું વાવેતર કરે છે. ત્યારે આ વર્ષે દિવાળી બાદ મોટા ભાગના તાલુકાઓમાં ખેડૂતોએ ડાંગર અને મગફળીનો પાક લઇ લીધા બાદ ખેતરોને ખેડી તૈયાર કરી બટાકાની વાવણી શરૂ કરી દીધી છે. જોકે પ્રાંતિજ અને હિંમતનગર તાલુકામાં રહેતા કેટલાક ખેડૂતોએ આગોતર વાવેતર કર્યુ હોવાને કારણે બટાકાનું વાવેતર કરેલ ખેતરોમાં ડ્રીપ પાઇપો ગોઠવી દીધી છે. જે હવે વાવેતર કર્યાના 20 દિવસ બાદ ટપકથી પાણી આપવાની શરૂઆત કરશે.જોકે શરૂઆતના તબક્કામાં કેટલાક ખેડૂતો કૃષિ નિષ્ણાંતોએ સૂચવેલી માર્ર્ગદશિકા મુજબ ખાતર અને દવાઓ પ્રવાહી સ્વરૂપે આપશે.
