આગામી દિવસોમાં માવઠું થવાની દહેશતથી સુનોખ પંથકમાં ચણા, ઘઉં સહિતના વિવિધ પાકોને સાચવવા ખેડૂતો દ્વારા દોડધામ સાથે ખેત સીમાડાઓ ધમધમવા લાગ્યા હોવાનું જાણવા મળેલ છે. શામળાજી તાલુકાના સુનોખ પંથકના સુનોખ, જાલિયા, વાગોદર, વાંસેરાકંપા, નવાવક્તાપુર, ગડાદર, ખિલોડા, શોભાયડા,ખેરાડી,નાપડા સહિતના વિવિધ વિસ્તારોમાં રવિ સીઝનના બટાટા, ઘઉં, ચણા સહિતના વિવિધ પાકો તૈયાર થઈ ગયા છે. પાક લણવાનું શરૂ છે પરંતુ એક સાથે તમામ પાકો પાકી જતાં ખેત મજૂરોની પણ અછત સર્જાઈ છે. વળી આગામી તા.18 માર્ચથી 20 માર્ચ વચ્ચે માવઠાની શકયતા ઉભી થવાની આગાહીને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે, જેને લઈને ઘઉં, ચણા, એરંડા, બટાટા સહિતના વિવિધ પાકોને વરસાદી માવઠાથી બચાવવા માટે ખેડૂતો દ્વારા ખેતરોમાં થ્રેશર લગાવી પાકોને કાઢવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ખેત સીમાડાઓ ખેડૂતોથી ધમધમી ઊઠયા છે અને માવઠાની દહેશતને કારણે ખેડૂતો પાક બચાવવાની મોટી દોડધામ સાથે મથામણ કરી રહ્યાનું જાણવા મળેલ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: