પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વજેપુર ગામની સીમમાં મંગળવારે એક ખેડૂત પોતાના ખેતરમાં ખેડ કરતા હતા ત્યારે ગામના એક રહીશે આવીને ટ્રેકટર ખેડૂતના ખેતરમાં થઇ વાળતા બોલાચાલી થઇ હતી. ત્યારબાદ ચાર જણાએ એક સંપ થઇને આવી હુમલો કરી ત્રણ જણાને ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી. આ અંગે વજાપુર ગામના દિપસિંહ પુંજસિંહ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, મંગળવારે તેઓ ખેતરમાં ખેડતા હતા. ત્યારે ગામના જ મહેન્દ્રસિંહ હઠીસિંહ મકવાણાએ તેમના ખેતરમાં ટ્રેકટર દ્વારા ખેડાવતા હતા. ત્યારે આ ટ્રેકટર દિપસિંહ મકવાણાના ખેતરમાં થઇ વાળ્યું હતુ. જેથી દિપસિંહ મકવાણાએ ટ્રેકટર વાળવાની ના પાડી હતી. ત્યારબાદ મહેન્દ્રસિંહ મકવાણા, જીજ્ઞેશસિંહ વિજયસિંહ મકવાણા, ઇન્દ્રજીતસિંહ વિજયસિંહ મકવાણા અને નરેન્દ્રસિંહ લાલસિંહ મકવાણાએ આ મુદ્દે નારાજગી દર્શાવીને આવી ઉંધી કોદારીથી રાણસિંહ પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત મહેન્દ્રસિંહે ઉષાબેન તથા સંદિપને લાકડી મારી ઇજા પહોંચાડી ગડદાપાટુનો માર માર્યો હતો તથા આ ચારેય જણાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે દિપસિંહ મકવાણાએ ચારેય વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો