સાબરકાંઠા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી પ્રજાને આરોગ્ય વિષયક સેવાઓ સ્થાનિક કક્ષાએ મળે તે માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર ખૂબ જ ચિંતીત છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીના માર્ર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાએ જાહેર આરોગ્ય સેવાઓને વધુ ગુણવત્તાયુક્ત, સુરક્ષિત, સુલભ અને દર્દીલક્ષી બનાવવાની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઈડર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત જિલ્લાના 143 આરોગ્ય સંસ્થાઓએ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ અંતર્ગત રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા છે. એટલુ જ નહીં પણ સાબરકાંઠા જિલ્લાએ સમગ્ર્ર ગુજરાત રાજ્યમાં 100 ટકા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો પ્રમાણિત ધરાવતો સાબરકાંઠા જિલ્લો પ્રથમ બન્યો છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ગૌતમ નાયકના જણાવાયા મુજબ, સાબરકાંઠામાં આરોગ્ય તંત્ર, તાલુકા આરોગ્ય તંત્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિરોની ટીમોના સંકલિત પ્રયાસો, સતત મૂલ્યાંકન, સેવાઓમાં સુધારણા અને ગુણવત્તાના માપદંડોના અસરકારક અમલીકરણના પરિણામે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. 143 આરોગ્ય સંસ્થાઓનું રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણિત થવું એ માત્ર આંકડાકીય સિદ્ધિ નથી, પરંતુ જિલ્લાના નાગરિકોને મળતી આરોગ્ય સેવાઓની ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. રાષ્ટ્રીય કક્ષાના આ પ્રમાણપત્ર અંતર્ગત આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓના અધિકારો, સ્વચ્છતા, ચેપ નિયંત્રણ, દવાઓની ઉપલબ્ધતા, સારવારની પ્રક્રિયા, રેકોર્ડની જાળવણી, દર્દી સંતોષ અને આરોગ્ય સેવાઓની સલામતી સહિતના વિવિધ ગુણવત્તાલક્ષી માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ગૌતમ નાયકે આ સિદ્ધિ બદલ જિલ્લાના તમામ આરોગ્ય અધિકારીઓ, તબીબો, પેરામેડિકલ સ્ટાફ, આરોગ્ય કર્મચારીઓ તથા દરેક આરોગ્ય સંસ્થાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર પ્રાપ્ત કરવું એ આપણા સૌના સામૂહિક પ્રયાસો અને સમર્પણની સફળતા છે. પરંતુ પ્રમાણપત્ર પ્રાપ્ત થયા બાદ આપણી જવાબદારી ઓછી નહીં, પરંતુ વધુ વધે છે. હવે આ ગુણવત્તાના ધોરણોને સતત જાળવી રાખીને જિલ્લાના દરેક નાગરિકને શ્રેષ્ઠ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આપણે વધુ પ્રતિબદ્ધ બનવાનું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં જિલ્લાના બાકી રહેલા તમામ આરોગ્ય કેન્દ્રોને પણ રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર અપાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી સાબરકાંઠાના દરેક નાગરિકને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની શકે.
