ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ દિવસ જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શનિવારે સાબરકાંઠા જિલ્લામાં અનેક ઠેકાણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક વંદન કરાયુ હતુ. સાથો સાથ જિલ્લાના વિવિધ સ્થળોએ મહાનુભાવોની પ્રતિમાઓ અને તેની આસપાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્થળોએ જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ,અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ સહભાગી બની ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે જ વિવિધ મહાનુભાવોની પ્રતિમાની આસપાસના વિસ્તારની સફાઈ કરી સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ સ્વચ્છતા અભિયાનના માધ્યમથી સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં જાગૃત્તિ કેળવવાની સાથે જાહેર સ્થળો અને મહાનુભાવોની પ્રતિમાઓની સ્વચ્છતા જાળવવાની સામૂહિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જનજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સાંસ્કૃતિક પરંપરા, સંઘર્ષ અને બલિદાનનું સ્મરણ કરી ભગવાન બિરસા મુંડાના રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને ભાવપૂર્વક યાદ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનજાતીય ગૌરવ તથા જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જનજાતિ સમાજના ગૌરવશાળી વારસા, પરંપરા અને મહાન નાયકોના યોગદાનને જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
