અષાઢી બીજના પાવન અવસરે તા.16મી જુલાઈએ ઇડરમાં ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રા યોજાનાર છે. તે પૂર્વે મંગળવારે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્રએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જેના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં શરૂ થયેલ ફૂટ પેટ્રોલિંગ મોટા રામદ્વારા મંદિરથી શરૂ થઈ ટાવર ચોક, તિરંગા સર્કલ, જલારામ મંદિર થઈ પરત મોટા રામદ્વારા ખાતે પૂર્ણ થયું હતું. દરમિયાન જિલ્લા પોલીસ વડાએ પોલીસ અધિકારીઓ અને જવાનોને રથયાત્રા દરમિયાન ખાસ ધ્યાન રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા જરૂરી સૂચનાઓ આપી હતી. રથયાત્રા માટે આશરે 500 મીટર લાંબા બંદોબસ્ત રૂટ પર સુરક્ષા ગોઠવવામાં આવી છે. બંદોબસ્તમાં 1 ડીવાયએસપી, અનેક પીઆઈ-પીએસઆઈ સહિત 300 પોલીસ કર્મચારીઓ અને 325 હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે. સાથો સાથ 45 બોડી-વોર્ન કેમેરા, વિવિધ મહત્વના સ્થળોએ ધાબા પોઈન્ટ અને નેત્રમ કેમેરા દ્વારા રથયાત્રાનું જિલ્લા કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. રામ દ્વારા ખાતે યોજાયેલી બેઠકમાં રથયાત્રા દરમિયાન ધાર્મિક માહોલ જળવાઈ રહે તે માટે માત્ર પૂર્વનિર્ધારિત યાદી મુજબના ભજનો અને ધાર્મિક ગીતો જ વગાડવાની સૂચના પણ આપવામાં આવી હતી.
