હિંમતનગર ગ્રામ્ય પોલીસે પશુ ચોરીના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઈ એસ.એમ. સોલંકી અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે દોલતખાન દરિયાખાન બલોચ (ઉંમર 51), (રહે. સેસાણ નવા, તા. દિયોદર, જી.વાવ-થરાદ)ને ઈલોલ ચાર રસ્તા પાસેથી કોર્ડન કરી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના સાગરિતો સાથે મળી આશરે બે મહિના અગાઉ જામળા ગામે ભેંસ ચોરીનો ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી. આ કબૂલાતના આધારે હિંમતનગર ગ્રામ્ય પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે, આ આરોપી છેલ્લા કેટલાક સમયથી પશુ ચોરીના ગુનાઓમાં નાસતો ફરતો હતો. ત્યારે પોલીસે તેને દબોચી કાર્યવાહી કરી છે.
