ખેડબ્રહ્મા : ડી. ડી. ઠાકર આર્ટ્સ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના કોલેજ સભાખંડમાં વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુપર્વ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના આરંભમાં આચાર્ય ડૉ. આર. જે. દેસાઇએ આગંતુક મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ તથા કરવસ્ત્ર્ર અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ગુરુ વંદનાના આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ સૌને કંકુ ચોખાથી તિલક કરીને અભિવાદન કર્યું હતું. ગુરુપર્વ કાર્યક્રમના સંત સ્થાને પધારેલ પ. પૂ. રાધાદાસ કશ્યપ મહારાજે આ કાર્યક્રમને અનુલક્ષીને જીવનમાં ગુરુના મહત્વ વિશે ગીતાજીના ઉદાહરણ સહિત મર્મભરી વાણીમાં પ્રેરણાત્મક ઉદ્દબોધન કર્યું હતું.
