સાબરકાંઠા જિલ્લામાં આજે બુધવારે ગુરૂપૂર્ણિમા હોવાથી હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે મંદિરોમાં તથા ગુરૂના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. જેના ભાગરૂપે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ હાથમતી નદીના કિનારે ઝરણેશ્વર મંદિરમાં ઊજવણીના ભાગરૂપે લાડુ સહિત અન્ય ખાદ્યચીજો બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

અષાઢી પૂનમ બુધવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે હિંમતનગરના ઝરણેશ્વર મહાદેવ, ડેમાઈ રોડ પરના જલારામ મંદિર, બેરણાની રામ ટેકરી, કંટાળેશ્વર હનુમાનજી મંદિર, નિરંજન અખાડામાં મહાકાલી માતાજીનું મંદિર અને કાંકરોલ પાસેના શંકરધામ સહિતના અનેક સ્થળોએ ગુરૂપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરાયું છે. મહેતાપુર સ્થિત ઝરણેશ્વર મહાદેવ મંદિરે ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઊજવાશે. યુવાનો દ્વારા અગાઉથી જ મંદિરને શણગારવામાં આવ્યું હતું. મંગળવારે સવારથી મંદિરના ઉપરના મેદાનમાં મંડપ બાંધવાની કામગીરી કરાઈ હતી. ભક્તો માટે પ્રસાદની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે, જેમાં સૌપ્રથમ લાડુ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવાયા મુજબ, ગુરૂપૂર્ણિમાના દિવસે અંદાજે 500થી 700 કિલો લાડુ બનાવવામાં આવશે, જેમાં ભક્તો અને સ્થાનિક યુવાનો ઉત્સાહભેર જોડાયા છે. બુધવારે સવારે 10:30થી બપોરે 2 વાગ્યા સુધી ગુરુપૂજન અને ભોજન પ્રસાદનું વિતરણ કરાશે તથા રાત્રે સંતવાણી અને ભજનનો કાર્યક્રમ યોજાશે. હિંમતનગરના ડેમાઈ રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાએ સવારે સમૂહ આરતી અને ત્યારબાદ ભોજન પ્રસાદનું વિતરણ થશે. બેરણા ખાતેના નિરંજન અખાડામાં સવારે હવન, ગુરુપૂજન, ભજન અને ગુરૂપ્રસાદનું વિતરણ શરૂ થશે. આ ઉપરાંત પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિત અન્ય સ્થળે પણ ગુરૂપૂર્ણિમા ઉજવાશે.