કેન્દ્ર સરકારની નેશનલ ફર્ટીલાઇઝર સેલ ફ્રેમવર્ક હેઠળ રાસાયણિક ખાતરના 100 ટકા વિતરણ માટે તાજેતરમાં અમલી બનાવાયેલ નવી પ્રણાલીને લઈને ઈડર તાલુકાના ખેડૂતોએ તેની નોંધણી અને ખરીદી માટે પડી રહેલી મુશ્કેલીઓ દુર કરવા માટે ખેડૂત સંગઠને તાજેતરમાં ઈડરના ધારાસભ્યને કરેલી રજૂઆત બાદ આ ધારાસભ્યે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવાની માંગ કરી છે. આ અંગે ઇડર ધારાસભ્ય રમણ વોરાએ કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, કૃષિ વિભાગના તા.4મી જૂન 2026ના પરિપત્ર મુજબ સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પ્રાયોગીક ધોરણે નવી ખાતર વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. સાબરકાંઠા ખેતીપ્રધાન જિલ્લો હોવાથી અને અગાઉ ડાર્કઝોનની સમસ્યાઓનો સામનો કરી ચૂક્યો હોવાથી ખેડૂતોને આ નવી વ્યવસ્થાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુમાં કિસાન સંઘની રજૂઆતનો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોને પહેલેથી જ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં નવી ડિજિટલ આધારિત પ્રણાલી ખેડૂતો માટે વધુ મુશ્કેલી ઉભી થઈ છે. ખેડૂતો દ્વારા 21 પ્રશ્નો અને વાંધાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે. અને સ્થાનિક ધારાસભ્યને ખેડૂતોનો અવાજ તથા મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા કરેલી અપીલ બાદ ધારાસભ્યએ મુખ્યમંત્રીને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સાબરકાંઠાને પાયલોટ યોજનામાંથી મુક્તિ આપી અગાઉની જૂની પદ્ધતિથી રાસાયણિક ખાતરનું વિતરણ ચાલુ રાખવા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ જરૂરી રજૂઆત કરવા વિનંતી કરી છે.
