અમદાવાદ અને ઉદેપુર સહિત અન્ય સ્થળેથી આવતી અને જતી ટ્રેનો વાયા હિંમતનગર થઈ પસાર થાય છે ત્યારે શુક્રવારે સવારે શામળાજી તરફથી આવી રહેલ ઈન્દોર-અસારવા ટ્રેન હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટક પર અચાનક અટકી ગઈ હતી અને તરત જ ડ્રાઈવરે ટ્રેનને રીવર્સ કરતાં ફાટક પર ઉભેલા વાહન ચાલકોમાં કુતુહલ વ્યાપ્યું હતુ. આ અંગેની વિગત એવી છે કે, ઇન્દોર-અસારવા જતી ટ્રેન નિયમિત સવારે લગભગ 8.30 વાગ્યાની આસપાસ હિંમતનગર રેલવે સ્ટેશન પર આગમન કરે છે ત્યારે શુક્રવારે આ ટ્રેન ગોકુલનગર ફાટક પાસે અટકી ગઈ હતી અને તરત જ રીવર્સમાં દોડી હતી જેને લઈને સ્થાનિકો તથા વાહન ચાલકો આશ્ચર્યચકિત થયા ગયા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ગોકુલનગર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક થંભી ગઈ હતી. થોડા સમય બાદ તે રિવર્સ દિશામાં પાછી ફરી હતી. જોકે ટૂંક સમયમાં જ ટ્રેન ફરીથી સ્ટેશન તરફ આગળ વધી હતી અને હિંમતનગર રેલવે સ્ટેશન પર આવવા માટે રવાના થઈ હતી. તો બીજી તરફ સ્થાનિકોના દાવા મુજબ, ટ્રેનની સામે કોઈ વ્યક્તિ પાટા પર આવી ગયો હતો, જેને જોઈને લોકો પાયલટે ટ્રેન રોકી હતી અને રિવર્સ લીધી હતી. ત્યારબાદ પાટા પર ઉભેલ વ્યક્તિ ખસી જતા ટ્રેન ફરીથી તેના નિર્ધારિત માર્ગે આગળ વધી હતી.
