સાબરકાંઠા કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષના મોવડી તથા કાર્યકરો વચ્ચે ગમે તે કારણસર વૈચારિક મતભેદ હોવાને લઈને જુથ પડી ગયા હતા. દરમિયાન મંગળવારે કોંગ્રેસ કાર્યાલય દ્વારા હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્ષમાં કોંગ્રેસ દ્વારા જુના કાર્યાલયનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે મંગળવારે આ નવીન કાર્યાલયના ઉદ્દઘાટનમાં કેટલાક કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કાર્યક્રમનો વિરોધ કરી બહિષ્કાર કર્યો હતો. જેમાં કોંગ્રેસના ચોક્કસ જૂથના નારાજ થયેલા કાર્યકરો અને હોદ્દેદારોનો સમાવેશ થાય છે.તો બીજી તરફ હાલ સાબરકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરીક વિખવાદ સપાટી પર આવ્યો છે ત્યારે કાર્યકરો અને આમ પ્રજામાં એવી છાપ ઉપસી છે કે, કોંગ્ર્રેસને માટે એક સાંધેને તેર તૂટે એવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન મંગળવારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાબરકાંઠાના હિંમતનગર સ્થિત કોંગ્રેસ કાર્યાલયને ખુલ્લુ મુકવા આવ્યા હતા ત્યારે તેમની સાથે કોંગ્રેસી અગ્રણી મધુસૂદન મિસ્ત્રી અને વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી આવ્યા હતા. જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આગમન પહેલા જ સોશિયલ મીડિયામાં વિરોધના સૂર તેજ બન્યા હતા. કોંગ્રેસના કાર્યક્રમનો બહિષ્કાર કરતા ગ્રાફિક્સ અને પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેને લઈ કોંગ્રેસના સ્થાનિક મુસ્લિમ નેતાઓ અને કાર્યકરો ગેરહાજર રહ્યા હોવાની ચર્ચાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે. તો બીજી તરફ અમિત ચાવડાએ કહ્યુ હતુ કે, કોંગ્ર્રેસ દરેક ધર્મનો, સમાજનો પક્ષ છે, નાનુ-મોટું કંઈ હશે તો સમાધાન કરી લઈશું તેવું આશ્વાસન ઉપસ્થિત કાર્યકરોને આપ્યું હતું. ઉદ્દઘાટન પ્રસંગે નઇમબેગ મિઝા, હિતેન્દ્ર પિઠાડીયા, દિનેશ ગઢવી, પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ, બાબુજી ઠાકોર, કમલેન્દ્રસિંહ, ગજેન્દ્રસિંહ, રતનબેન સુતરીયા, બિંદુબા, કમળાબેન, રેખાબેન, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ અશોક પટેલ, કનુભાઈ ભાટ, પ્રિયવદન પટેલ, ટી.વી.પટેલ, મનોજ બારોટ, રણછોડ પરમાર, મુકેશ પટેલ સહિત તાલુકા શહેર ફ્ન્ટલ સેલના પ્રમુખ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો