સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબહ્મા અંબિકા માતાજી મંદિરે અષાઢ પૂનમ નિમિત્તે આસ્થા, શ્રાદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. મા અંબાના દર્શન કરવા માટે દુર દુરથી વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને માઈ ભક્તો ઉમટી પડયા હતા. મા ના ચરણોમાં શીશ ઝૂકાવી લીધેલી બાધા પુરી કરી હતી. જેના કારણે મંદિર પરિસર બોલ મારી અંબે 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠયું હતું. અમેરીકાના એક ભકતે માતાજીના શિખર ઉપર 52 ગજની ધજા ચઢાવાઈ અન્ય માઈ ભકતોએ શિખર ઉપર વીસ જેટલી ધજાઓ ચઢાવીને માનતા પુરી કરી હતી. પૂનમના દિવસે ભકતોની ભીડને ધ્યાનમાં રાખી મંદિર સવારે 6-30 થી રાત્રે 9-45 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું.
બપોર બાદ ગરમી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી ન હતી. બહમાજી ચોકથી ,બસ સ્ટેશન અને હાઈવે રોડ સુધીના માર્ગો પર માનવ મહેરામણ ઉભરાયું હતું. મંદીરના પટાગણમા ખાણી-પીણી, કટલરી, રમકડાં અને બૂટ-ચંપલની હજારો હાટડીઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ભાઈ- બહેનોએ પરંપરાગત રીતે મેળાની મોજ પણ માણીને ખરીદી કરી હતી. ભકતોને કોઈ તકલીફ્ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુદર આયોજન કરવામાં આવ્યું હતું. અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા માત્ર રૂ. 20માં 3000 માઈ ભકતોને સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા પીવાના ઠંડા પાણી, પાર્કિંગ અને દર્શન માટે લાઈનોની વ્યવસ્થા કરાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેડબ્રહ્મા પી.આઈ હડાત દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. અષાઢ પૂનમે અંદાજે 2.40 લાખ જેટલા દર્શનાર્થીઓએ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
