શ્રાધ્ધાને પુરાવાની જરૂર નથી તે ઉક્તિ મુજબ શુક્રવારે તલોદ તાલુકાના રામપુરા કંપા અને હિંમતનગરમાં આવેલ એક ઘરમાં લાલો (ભગવાન શ્રીકૃષ્ણ) દૂધ પીતા હોવાની ઘટના સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ કૌતુક ફેલાયું હતું. જોકે વિજ્ઞાન જાથા આ ઘટનાને વિજ્ઞાન સાથે સરખાવે છે.
વાત જાણે એમ છે કે શુક્રવારે અને શનિવારે સોશિયલ મીડીયામાં વાયરલ થયેલા વિડિયો મુજબ હિંમતનગરની અત્રિષ્રીન ફલેટ તથા તલોદ તાલુકાના રામપુર કંપામાં એક મહિલા લાલાને ચમચી વડે દૂધ પીવડાવતા હતા ત્યારે દૂધ ભરેલુ પાત્ર ખાલી થઈ જતાં શ્રાધ્ધાના સથવારે આ વાત સોશિયલ મીડીયામાં વાયુવેગે વાયરલ થઈ ગઈ હતી. ત્યારબાદ આ બંને સ્થળે ધાર્મિક વૃત્તિવાળા મહિલાઓ અને પુરુષોમાં ફેલાયેલા કૌતુક બાદ અનેક લોકો જોવા માટે દોડી ગયા હતા. તો બીજી તરફ ભુતકાળમાં પણ આવા અનેક બનાવો નોંધાયા છે ત્યારે શુક્રવારે તલોદના રામપુરા કંપા અને હિંમતનગરમાં દૂધ પીતા લાલાના વિડિયો વાયરલ થયા બાદ વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડયાએ આ ઘટનાને વિજ્ઞાન સાથે સરખાવી હતી. તેમનું માનવું છે કે મૂર્તિ બનાવવા માટે વાપરવામાં આવેલ પદાર્થ અથવા ધાતુ દૂધ રૂપી પ્રવાહીને શોષી લે છે તેમ છતાં ધાર્મિક વૃત્તિવાળા અનેક લોકો તેને શ્રાધ્ધાની નજરે જોઈને નતમસ્તક દર્શન કરતા હોય છે. હાલ તો સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ આ વિગતોને અનેક લોકો પોતાની રીતે મુલવી રહયા છે.










