વર્ષ 2025માં નાતાલ પર્વ ચાલી રહ્યું છે ત્યારે પરપ્રાંતમાંથી અનેક બુટલેગરો પાસ પરમીટ વિના તથા અવનવા નુસખા અજમાવીને સાબરકાંઠા થઈ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે સાબરકાંઠા એલસીબીએ ચોક્કસ બાતમીને આધારે શુક્રવારે શામળાજી-હિંમતનગર રોડ પર આવેલ આગીયોલ ગામની સીમમાં કરેલી નાકાબંધી દરમિયાન શંકાસ્પદ ટ્રકની ઝડતી લેતા તેમાં બટાકાની આડમાં લવાઈ રહેલ વિપુલ માત્રામાં વિદેશી દારૂની પેટીઓ હાથ લાગી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરીને ટ્રકની ઝડપી લેતા તેમાંથી અંદાજે રૂ. 81 લાખથી વધુની કિંમતની 503 પેટીમાં રખાયેલ 20,436 બોટલ કબજે લઈ ટ્રકચાલકની ધરપકડ કરી
અંદાજે રૂ.1,01,76,750 નો મુદ્દામાલ કબજે લીધો હતો.
આ અંગે એલસીબીના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, જિલ્લા પોલીસવડા પાર્થરાજસિંહ ગોહિલની સૂચના બાદ નાતાલની ઉજવણી દરમિયાન જિલ્લામાં દારૂના દુષણને ડામવા માટે કડક કાર્યવાહી કરવા માટે આપેલા આદેશ બાદ એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા તથા તેમની ટીમને અગાઉ મળેલી બાતમીને આધારે શુક્રવારે રાત્રે શામળાજી-હિંમતનગર હાઈવે પર આગીયોલ નજીક નાકાબંધી કરી હતી. દરમિયાન અહીંથી પસાર થતી શંકાસ્પદ ટ્રકના ચાલકને રોકી પુછપરછ કરી હતી. જેમાં ટ્રકચાલક બિરબલનાથ રેખનાથ ચૌહાણ(રહે. લુનકરનસર, જિ.બિકાનેર) ને ટ્રકમાં તપાસ કરવાનું કહી ટ્રકને સાઈડમાં ઉભી કરાવી દીધી હતી. ત્યારબાદ એલસીબીના સ્ટાફે તપાસ કરતા તેમાંથી રૂ.81 લાખથી વધુની કિંમતનો દારૂની 503 પેટી બટાકા ભરેલા કંતાનની આડમાં ગોઠવી હોવાનું બહાર આવ્યું હતુ. આટલો મોટો જથ્થો જોઈને એલસીબી ચોંકી ઉઠયું હતુ અને વધુ તપાસ કરતા ટ્રક નં. આરજે18જીએ 5196 નંબરવાળી ખોટી નંબર પ્લેટ ટ્રકના આગળના ભાગે લગાવી હતી પરંતુ તે ખોટી હોવાની શંકાસ્પદ જણાતા વધુ પુછપરછ શરૂ કરી હતી. જેમાં ટ્રકનો સાચો નં. આરજે18જીએ 5195 માલુમ પડયો હતો. પરંતુ ટ્રકના ચાલકે પોલીસથી બચવા માટે આ ખોટી નંબર પ્લેટ લગાવી હતી. દરમિયાન બટાકાના કંતાનના કોથળાની આડમાં લવાયેલ દારૂનો જથ્થાની ગણતરી શરૂ કરાઈ હતી. ત્યારબાદ પોલીસે પકડાયેલા ટ્રકચાલક પાસેથી રૂ.1500 રોકડા, બે મોબાઈલ તથા 215 બટાકા ભરેલા કંતાનના કોથળા અને 01 જીપીએસ ડીવાઈસ મળી આવ્યું હતુ. ત્યારબાદ પોલીસે ટ્રકના ચાલક તથા યશવંત નામના જે શખ્સે રાજસ્થાનમાંથી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો તે સહિત બે વિરૂધ્ધ એલસીબીએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમ વર્ષ 2025માં સાબરકાંઠા પોલીસે વિપુલ માત્રમાં બટાકાની આડમાં લવાતો દારૂનો વિપુલ જથ્થો ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો