અષાઢી બીજના પાવન અવસરે તા.16મી જુલાઈએ નીકળનારી ઈડરની 28મી ભવ્ય ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને સમગ્ર્ર શહેરમાં ભક્તિમય માહોલ છવાયો છે. રથયાત્રા પૂર્વે ચાર દિવસ માટે ઇન્દ્રનગર સોસાયટી ખાતે મામાના ઘેર પધારેલા ભગવાન જગન્નાથજી મંગળવારે સવારે ભવ્ય શોભાયાત્રા સાથે પોતાના નિજધામ મોટા રામદ્વારા મંદિર તરફ પરત ફર્યા હતા. જેને લઈને હરીભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. ગત તા.10મી જુલાઈએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી ઢોલ-નગારા અને ભક્તોના જયઘોષ વચ્ચે ઇન્દ્રનગર સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈના નિવાસ સ્થાને પધાર્યા હતા. ચાર દિવસના રોકાણ બાદ આજે મંગળવારે સવારે 9 વાગ્યે ભગવાનને ભવ્ય રીતે શણગારી, મનમોહક આભૂષણો પહેરાવી વિશેષ આરતી ઉતારવામાં આવી હતી. સંત-મહંતો, ઇન્દ્રનગર સોસાયટીના રહીશો તેમજ મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકોએ ભગવાનને ભાવભીની વિદાય આપી હતી. જય રણછોડ... માખણચોર...ના ગગનભેદી નારાઓ, ઢોલ-નગારાના તાલ અને ભક્તિ સંગીત વચ્ચે સમગ્ર્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. શ્રાદ્ધાળુઓ ડીજેના તાલે નાચતા-ગાતા ભગવાનને વિદાય આપવા જોડાયા હતા. ઇન્દ્રનગર સોસાયટીથી મોટા રામદ્વારા મંદિર સુધીના માર્ગ પર વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથનું પુષ્પવર્ષા સાથે સ્વાગત તેમજ પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઇડર પોલીસ પણ સવારથી જ સ્થળ પર તૈનાત રહી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો