તલોદ : તલોદ તાલુકાના આંત્રોલી વાસ દોલજી ગામે મેશ્વો નદીના કિનારે આવેલા મહાકાળી માતાજી તેમજ જોગણી માતાજીના મંદિરમાં મધરાત્રે ચોરીની ઘટના સામે આવતા ગ્રામજનોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તા.12મી જુલાઈની મધરાત્રે અજાણ્યા ચોરોએ મંદિરમાં પ્રવેશ કરીને સૌપ્રથમ વીજળીનો વાયર થાંભલા ઉપરથી કાપી નાખ્યો હતો, જેથી અંધારાનો લાભ લઈ ચોરીને અંજામ આપી શકાય. ત્યારબાદ બંને મંદિરોની દાનપેટીઓ તોડી અંદાજે રૂ. 16 હજાર જેટલી રોકડ રકમ ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હોવાનું અનુમાન છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ મંદિરોમાં અગાઉ પણ ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે ગ્રામજનોમાં અસુરક્ષાની લાગણી વ્યાપી છે અને મંદિરોની સુરક્ષા અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. ચોરીની ઘટનાની જાણ થતાં ગામના આગેવાનો અને ગ્રામજનો મંદિરે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હોવાની માહિતી મળી છે. આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ સહિત અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે, મંદિરમાં થયેલી ચોરીના આરોપીઓને વહેલી તકે ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે અસરકારક પગલાં લેવામાં આવે છે.
