સાબરકાંઠા જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વાવેતર અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહીનો દૌર શરૂ કર્યો છે. પોશીના તાલુકાના મામાપીપળા ગામના આંબલી ફ્ળિયા વિસ્તારમાં કપાસ અને એરંડાના પાકની આડમાં છુપાવીને કરવામાં આવતી ગાંજાની ગેરકાયદેસર ખેતીનો પોશીના પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ.7,55,500/- ની કિંમતના ગાંજાના 95 લીલા છોડ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. ખાનગી બાતમીના આધારે મળતી માહિતી અનુસાર, ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) દ્વારા SAY NO TO DRUGS અભિયાન હેઠળ માદક પદાર્થોની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા સઘન સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના ભાગરૂપે ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુલદીપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ પોશીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. પ્રજાપતિ અને તેમની ટીમ વિસ્તારમાં સતત વોચ રાખી રહી હતી.દરમિયાન પોલીસને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે મામાપીપળા ગામના આંબલી ફ્ળિયામાં આવેલા એક ખેતરમાં પ્રતિબંધિત માદક પદાર્થનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે પોલીસે શકરાભાઈ લીંબાભાઈ ગમારના કબજા-ભોગવટાવાળા ખેતરમાં દરોડો પાડયો હતો. 95 લીલા છોડ જપ્ત,NDPS એક્ટ હેઠળ ગુનો પોલીસની તપાસ દરમિયાન ખેતરમાં વાવેલાકપાસ અને એરંડાના પાકની વચ્ચે સુરક્ષિત રીતે છુપાવીને ઉગાડવામાં આવેલા ગાંજાના 95 લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂ.7,55,500/- ની અંદાજિત બજાર કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી શકરાભાઈ લીંબાભાઈ ગમાર (ઉં.વ.55) ની અટકાયત કરી તેની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો