પોશીના : પોશીના પંથકમાં લાંબા સમયના વિરામ બાદ હવામાનમાં પલટો આવ્યો છે અને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી અસહ્ય ઉકળાટ અને ભારે બફરાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે. પોશીના મુખ્ય મથક ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે લાંબડીયા, કોટડા અને દેલવાડા સહિતના પંથકમાં પવન અને સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વરસાદનું જોર એટલું વધારે હતું કે, પોશીનાના મુખ્ય બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો લાઈવ જોવા મળ્યા હતા અને રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. બીજી તરફ્, લાંબા સમયથી કાગડોળે વરસાદની રાહ જોઈ રહેલા પંથકના ધરતીપુત્રોમાં વરસાદથી ભારે હરખ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી લાયક વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો