સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે મોંઘવારીના લીધે આ દૂધ ઉત્પાદકોને ઉત્પાદન ખર્ચ કરતાં દૂધનો ઓછો ભાવ મળી રહ્યો હોવાની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે ત્રણેક દિવસ અગાઉ અરવલ્લી જિલ્લાના કેટલાક દૂધ ઉત્પાદકોએ દૂધના ભાવ વધારવા તથા સાબરદાણના ભાવમાં ઘટાડો કરવા માટે ડેરીના એમડીની રૂબરૂ મુલાકાત લઈને પોતાની લાગણીઓ સાથે માંગ કરી હતી, જે સંદર્ભે ગુરૂવારે સાબરડેરીના ડિરેકટરોની બોર્ડ મીટીંગમાં ચર્ચા કરાયા બાદ દૂધ ઉત્પાદકોને ચુકવવામાં આવતાં ભાવમાં વધારો કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી અને આ ભાવ વધારો ઉત્તર ગુજરાત તથા ખેડા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા જે ભાવ વધારો જાહેર કરશે ત્યારબાદ સાબરડેરીએ પણ દૂધ ઉત્પાદકોને ચુકવવામાં આવતાં ભાવમાં વધારો કરશે. શકયતા ભાવ વધારો તા.1 ડિસેમ્બરથી અમલી બની શકે છે.

આ અંગે સાબરડેરીના પદાધિકારીઓની તેમજ સત્તાધીશોની ગુરૂવારે બોર્ડ મીટીંગ પૂર્ણ થયા બાદ વાતચીતમાં જણાવ્યું હતું કે, દૂધ સાગર, બનાસ અને ખેડા દૂધ સંઘ દ્વારા તેમના દૂધ ઉત્પાદકોને જે ભાવ ચુકવવામાં આવે છે તેના કરતાં સાબરડેરી બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોને વધુ ભાવ ચુકવે છે. તેમ છતાં મોંઘવારી, ઘાસચારાની અછત તથા ખાણદાણના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોને પરવડે તેવો ભાવ ચુકવવા માટે સાબરડેરીનું નિયામક મંડળ ચિંતીત છે. જોકે હાલના તબક્કે સાબરદાણમાં વપરાતાં અનાજ સહિત અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો હોવા છતાં સાબરડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને નહીં નફો, નહીં નુકશાનના ધોરણે સાબરદાણ સ્થાનિક ડેરીઓ મારફતે પહોંચાડે છે. જેથી હાલના તબક્કે સાબરદાણના ભાવમાં ઘટાડો થઈ શકે તેમ નથી. તો બીજી તરફ સાબરડેરીની બોર્ડ મીટીંગમાં આવેલા માલપુરના ડિરેકટર જશુ પટેલ અગમ્ય કારણોસર અડધી બેઠક બાદ બહાર નિકળી ગયા હતા. તેમણે એવું કારણ રજુ કર્યું હતું કે, મારે અગત્યનું કામ હોવાથી જવું જરૂરી હતું એટલે બેઠકમાંથી નિકળી ગયો હતો.