સાબરકાંઠા જિલ્લામાં આસો નવરાત્રિનો ઉલ્લાસભેર પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે સોમવારે બીજા નોરતાની રાત્રે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ખેલૈયાઓ ગરબે ઘુમવા ઉમટી પડયા હતા, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિમાં ઉપયોગમાં લેવાતા દાંડીયા ધીરે ધીરે પોતાની ઓળખ ઘુમાવી રહ્યા છે છતાં કયાંક નાના બાળકો અને યુવાઓ રાસ રમે ત્યારે દાંડીયાનો ઉપયોગ કરે છે. નવરાત્રિના બીજા નોરતે હિંમતનગર સહિત ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વિજયનગર, પોશીના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હવે તો રાત્રે 8 વાગ્યાને બદલે લગભગ 10 વાગ્યા પછી શેરી ગરબાની શરૂઆત થવા માંડી છે. જયારે હિંમતનગર સહિત અન્ય શહેરી વિસ્તારોમાં ગરબે રમવા જતા શહેરીજનો માટે રાત્રે 10 વાગ્યા પછી નવા વસ્ત્રો પરિધાન કરીને જવાની તૈયારીઓ શરૂ કરે છે જેના લીધે રાત્રે 11 વાગ્યાની આસપાસ ખાનગી પાર્ટી પ્લોટો તથા મંદિર પરિસરમાં આરતી અને ગરબાની શરૂઆત થાય છે, જોકે ગ્રામ્ય વિસ્તારોમાં હવે તો નવરાત્રિના પર્વ દરમ્યાન પ્રસાદ સાથે નાસ્તાનું પણ આયોજન કરાઈ રહયું છે, છતાં યાદગીરી રૂપે આપવામાં આવતી લ્હાણી(ઘર વપરાશની ચીજો) ધીરે ધીરે બંધ થવા માંડી છે, છતાં નવરાત્રિના અમુક દિવસે સોસાયટીઓ તથા ગામડાઓમાં કેટલાક દિલેરી દિલવાળા દાતાઓ પોતાની યથાશક્તિ મુજબ લ્હાણી આપે છે. હજુ તો નવરાત્રિના છ દિવસ બાકી છે ત્યારે હિંમતનગરમાં અન્ય ઠેકાણે પણ નવરાત્રિ ચોક શરૂ થશે. જોકે નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા કેટલીક જગ્યાએ બંદોબસ્તની વ્યવસ્થા કરી દીધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો