સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની સહકારી સંસ્થા 'સાબર ડેરી' અત્યારે દૂધના વ્યવસાયને બદલે ડિરેક્ટરો વચ્ચેની લડાઈને કારણે વિવાદના વંટોળમાં ફસાઈ છે. ડેરીના ચેરમેનની ચેમ્બરમાં જ બે સિનિયર ડિરેક્ટરોએ ભેગા મળીને અન્ય એક ડિરેક્ટર જશુ પટેલ પર હુમલો કરી મારામારી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચેરમેનની ચેમ્બરમાં કોઈ ગંભીર મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યારે મામલો બિચક્યો હતો.
બે સિનિયર ડિરેક્ટર જશુ પટેલ સાથે કરી મારામારી
બે સિનિયર ડિરેક્ટરોએ ઉશ્કેરાઈ જઈને જશુ પટેલ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન જશુ પટેલ જે ખુરશી પર બેઠા હતા તેને જોરદાર લાત મારતા તેઓ ખુરશી સાથે નીચે ગબડી પડ્યા હતા. અચાનક થયેલા આ હુમલા અને પટકાવાને કારણે જશુ પટેલને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ હંગામા પાછળનું મુખ્ય કારણ સરહદી વિસ્તારમાં દૂધના કલેક્શનમાં થઈ રહેલી ગરબડ હોવાનું મનાઈ રહ્યું છે.













