હિંમતનગરના સ્ટેશન રોડ પર આવેલ અંદાજે 100 વર્ષથી વધુ જુની એવી સમર્થ રામજી ધર્મશાળાનું બાંધકામ જર્જરિત બની જતાં સલામતીને ધ્યાનમાં રાખીને બે દિવસ અગાઉ હિંમતનગર નગરપાલિકાના સત્તાવાળાઓએ આ જર્જરિત બિલ્ડીંગમાં આવેલ 40થી વધુ ભાડુઆતોને કબ્જો ખાલી કરવા માટે નોટિસ આપીને તાકીદ કરવામાં આવી હતી. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીના જણાવાયા મુજબ, ચોમાસામાં શહેરમાં આવેલ કેટલીક મિલ્કતોનું બાંધકામ નબળુ પડી જતાં તથા પાયામાં પાણી ઉતરવાને કારણે મજબુતાઈ ઘટી જાય છે જેથી તે ગમે ત્યારે ધરાશાયી થવાની શકયતા નકારી શકાતી નથી. જો સમયસર આવા જર્જરિત મકાનોને દુર કરવામાં ન આવે તો જાનહાની થવાની શકયતા રહે છે, જેથી નગરપાલિકા દ્વારા બે દિવસ અગાઉ સ્ટેશન રોડ પર આવેલ વર્ષો જુની સમર્થ રામજી ધર્મશાળા ખૂબ જ ખંડેર હાલતમાં હોવાને કારણે આ જુનું બાંધકામ દુર કરવું જરૂરી હોવાથી નગરપાલિકાએ તરત જ સમર્થ રામજી ધર્મશાળા ટ્રસ્ટ તથા 40થી વધુ ભાડુઆતોને કબ્જો ખાલી કરવા માટે નોટિસ મારફતે તાકીદ કરવામાં આવી છે. નોટિસની બજવણી પણ કરી દેવામાં આવી હોવાનું નગરપાલિકાના સૂત્રોમાંથી જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પડેલા વરસાદને લઈને બાયપાસ રોડ પર આવેલ હાથમતી બ્રિજ પર વરસાદી પાણીનો ભરાવો થયા બાદ વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી જેથી સ્થાનિક ધારાસભ્ય વી.ડી.ઝાલાએ દરમિયાનગીરી કરીને પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરાવી હતી. તેમના માણવા મુજબ શહેરમાં આવેલી જોખમી ઈમારતોને ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરાઈ રહી છે તે સમયસરની અને યોગ્ય હોવાનું જણાવ્યું હતું. એટલુ જ નહીં પણ શહેરમાં અન્ય સ્થળે જે જર્જરિત મકાનો અથવા બહુમાળી બિલ્ડીંગો હશે તો તે માટે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારી સર્વે કરીને ચીફ ઓફિસરને અહેવાલ આપ્યા બાદ જરૂર પડે આવા ભયજનક મિલ્કતો દુર કરવાની કાર્યવાહી થશે.
