સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે શુક્રવારે વહેલી સવારથી જ જિલ્લાના મોટાભાગના સ્થળે વરસાદી માહોલ રહ્યો હતો. દરમિયાન સવારે 6 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં હિંમતનગરમાં દોઢ, પ્રાંતિજ, તલોદમાં પોણો ઈંચ વરસાદ થયો હતો તે સિવાય વડાલી અને ઈડરમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ગુરૂવારે રાતથી શુક્રવારે સવાર સુધીમાં ખેડબ્રહ્મા 17 મીમી, વિજયનગર 18, વડાલી 14, ઇડર 10, હિંમતનગર 01, તલોદ 01 અને પોશીના 21 મીમી વરસાદ પડયો હતો. ડીઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં 04 મીમી જયારે બપોરે 1રથી સાંજે પ વાગ્યા સુધીમાં 30 મીમી વરસાદ પડયો હતો જેના લીધે તાલુકાના ગાંભોઈ, કાંકણોલ, કરણપુર, સુરજપુરા, સરવણા અને હિંમતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોએ વાવેતર કરેલ પાકને સારો ફાયદો થયો છે. તેજ પ્રમાણે પ્રાંતિજ તાલુકાના પોગલુ, વદરાડ, પીલુદ્રા, બાકરપુર અને કમાલપુર સહિતના અન્ય ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. તલોદ તાલુકાના પોયડા, ઉજેડીયા, વક્તાપુર અને મહિયલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ હતી. શુક્રવારે બપોરે 1ર વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધીમાં પ્રાંતિજ તાલુકામાં 17 મીમી અને તલોદ તાલુકામાં 18 મીમી વરસાદ વરસ્યો હતો.
સાબરકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા જણાવાયું છે, પરંતુ હાલ જિલ્લામાં ક્યાંય ભારે વરસાદ પડયો ન હતો. જિલ્લાના જળાશયોની વર્તમાન સ્થિતિ મુજબ ગુહાઈ જળાશય 55.09 ટકા, હાથમતી 49.98 ટકા અને હરણાવ 31.30 ટકા પાણીથી ભરાયેલા છે.
