સાબરકાંઠા જિલ્લામાં મોડેથી શરૂ થયેલા વરસાદને કારણે આગોતર વાવેતર કરાયેલ મગફળી, કપાસને ખુબ જ ફાયદો થયો છે. ત્યારે સોમવારે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં પોશીના તાલુકામાં અંદાજે દોઢ ઇંચ (33 મીમી)થી વધુ વરસાદ પડયો હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતોને વાવેતર કરવા માટે અનુકુળતા રહેશે. ઉપરાંત હિંમતનગર, તલોદ અને વડાલી પંથકમાં પણ દિવસ દરમિયાન સામાન્ય વરસાદના ઝાપટા પડયા હતા. તેમ છતાં વાતાવરણમાં બાફ અને ઉકળાટના પ્રમાણમાં ખાસ ઘટાડો થયો નથી. તો બીજી તરફ સોમવારે 4થી 6 વાગ્યા સુધીમાં તલોદમાં 1 ઈંચથી વધુ અને પ્રાંતિજમાં અડધો ઈંચ વરસાદ થયો હતો. ડિઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સોમવારે સવારથી સમગ્ર્ર જિલ્લામાં બાફ અને ઉકળાટનું પ્રમાણ વધી ગયુ હોવાને કારણે લોકો તેનાથી કંટાળી ગયા હતા. દરમિયાન સોમવારે બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન પોશીના તાલુકામાં 33 મીમી, ખેડબ્રહ્મામાં 03, વડાલીમાં 03 અને હિંમતનગરમાં પણ 03 મીમી વરસાદ પડયો હતો. એટલુ જ નહીં પણ તલોદ તાલુકાના વકતાપુર, ઉજેડીયા, મહિયલ સહિત અન્ય સ્થળે સોમવારે 4 વાગ્યા બાદ વરસાદી ઝાપટા પડયા હતા. તેજ પ્રમાણે પ્રાંતિજ પંથકમાં પણ સામાન્ય વરસાદ થયાના અહેવાલ સાંપડયા છે. જોકે જિલ્લાના મોટા ભાગના ઠેકાણે આકાશ વાદળોથી ઘેરાયેલુ હોવાનું કારણે વધુ વરસાદ થવાની શકયતા નકારી શકાતી નથી. પ્રાંતિજ પંથકમાં બાફ અને ઉકળાટનું પ્રમાણ ઓછું થયા બાદ કેટલાક ખેડૂતોએ ડાંગરની રોપણી કરવાનું શરૂ કરી દીધુ છે.
