સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી વરસાદના શ્રીગણેશ થયા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે મુજબ પ્રાંતિજમાં એક ઇંચ જ્યારે હિંમતનગર અને તલોદમાં અડધો ઇંચ વરસાદ થયા બાદ શુક્રવારે સવારથી લઈ બપોર સુધીમાં તલોદ તાલુકામાં 01 ઈંચ, પ્રાંતિજમાં 08 અને હિંમતનગરમાં 05 મીમી વરસાદ પડતાં લોકોએ રાહતનો દમ લીધો છે. દરમિયાન શુક્રવારે ઇડર સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતા.

સાબરકાંઠાના આઠ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પ્રાંતિજમાં 25 મિમી (એક ઇંચ), હિંમતનગરમાં 11 મિમી અને તલોદમાં 11 મિમી વરસાદ પડયો હતો તો બીજી તરફ શુક્રવાર સવારથી હિંમતનગર, તલોદ, પ્રાંતિજ અને ઇડરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારબાદ લગભગ બપોરના સુમારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો જે અંગે ડિઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી મળતી મહિતી મુજબ, તલોદ તાલુકામાં અંદાજે 26 મીમી (એક ઈંચ) વરસાદ પડતાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડુતો આનંદથી ઝુમી ઉઠયા હતા. જોકે શુક્રવારે દિવસ દરમ્યાન આકાશ વાદળછાયું રહ્યું હોવાને કારણે આખો દિવસ બાફ અને ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. શુક્રવારે સવારના સુમારે થયેલા વરસાદને લઈને હિંમતનગર સહિત અન્ય સ્થળે રસ્તાઓ પાણીથી ભીંજાયા હોવાને કારણે સ્વચ્છ લાગતા હતા.