હિંમતનગર તાલુકાના ગાંભોઈ ખાતે સિવિલ હોસ્પિટલ પાસે આવેલી ગાંભોઈ ગ્રુપ હાયર સેકન્ડરી હાઈસ્કૂલના પટાંગણમાં વર્ષો જૂનો બિનઉપયોગી ખુલ્લો કુવો તેમજ જર્જરીત પાણીની ટાંકીઓ વિદ્યાર્થીઓ માટે જોખમી બન્યા હોવાની રજૂઆત સ્થાનિક અગ્રણી ધનજીભાઈ ચાવડા દ્વારા શાળા સંચાલકો સમક્ષ કરવામાં આવી છે. હાઇસ્કુલના મેદાનમાં આવેલો આ જૂનો

કુવો કાંઠા કે રક્ષિત દીવાલ વગરનો હોવાથી રમતગમત દરમિયાન વિદ્યાર્થીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને બાળકો મેદાનમાં રમતા હોય ત્યારે આ ખુલ્લો કુવો ગંભીર દુર્ઘટનાને નોતરી શકે તેવી સ્થિતિમાં હોવાનું જણાવાયું છે. કુવાની બાજુમાં જ વર્ષો જૂની સિમેન્ટની બિનઉપયોગી અને જર્જરીત પાણીની ટાંકી પણ આવેલી છે, જે ગમે ત્યારે ધરાશાયી થઈ અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિમાં હોવાનો આક્ષેપ કરાયો છે. હાઇસ્કુલમાં પીવાના પાણી માટે જર્જરીત સિમેન્ટની ટાંકી ઉપર પ્લાસ્ટિકની ટાંકી મૂકવામાં આવી છે. જોકે, આ પ્લાસ્ટિકની ટાંકીમાં ભરાયેલા પાણીના તળિયે રેતીનો થર તેમજ ગંદકી જોવા મળતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. ટાંકીની નિયમિત સફઈના અભાવે વિદ્યાર્થીઓ આ પાણી પીતા હોવાથી તેમના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થઈ શકે તેવી ચિંતા વાલી વર્ગમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત હાઈસ્કૂલના

પાછળના ભાગે પણ આવી જ એક જૂની જર્જરીત સિમેન્ટની પાણીની ટાંકી આવેલી હોવાનું જણાવાયું છે. આમ, શાળા પરિસરમાં આવેલી બંને જર્જરીત ટાંકીઓનો સત્વરે નિકાલ કરી વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાની માંગ ઉઠી છે. સ્થાનિક અગ્રણી ધનજીભાઈ ચાવડાએ શાળા સંચાલકોનું ધ્યાન દોરી ખુલ્લા કુવાનો જો ઉપયોગ ન થતો હોય તો તેને પુરણ કરી દાટી દેવામાં આવે અથવા તો કુવાની ફરતે રક્ષિત દીવાલ ઊભી કરવા, જર્જરીત પાણીની ટાંકીઓ દૂર કરી નવીન ટાંકી સ્થાપિત કરવા તેમજ વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા સાથે પરબનું બાંધકામ કરવા સત્વરે કાર્યવાહી કરવાની માંગ કરી છે. વાલી વર્ગે

પણ વિદ્યાર્થીઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખી આ અંગે તાત્કાલિક પગલાં ભરવાની

માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો