ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી પારદર્શક રીતે અને સમયસર ઉપલબ્ધ થાય તે માટે આધુનિક ટેકનોલોજી આધારિત એપ્લિકેશન તૈયાર કરાઈ છે. જેથી ખેડૂતોને વધુ સરળ, ઝડપી અને સુવ્યવસ્થિત સેવા ઉપલબ્ધ થાય તે હેતુસર ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સાબરકાંઠા જિલ્લાને ખાતર વેચાણ એપ્લીકેશન સીસ્ટમ હેઠળ પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં આ નવી ડિજિટલ વ્યવસ્થાનો પ્રારંભ થનાર છે.
આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો હવે ઘર બેઠા પોતાના મોબાઈલ મારફતે, રિટેલ ખાતર દુકાન અથવા સહકારી મંડળી દ્વારા જરૂરી ખાતરનું અગાઉથી બુકિંગ કરી શકશે. જેના કારણે ખેડૂતોને ખાતરની ઉપલબ્ધતા અંગે અગાઉથી જાણ મળશે, દુકાનો પર અનાવશ્યક ભીડમાં ઘટાડો થશે તેમજ લાંબી લાઈનમાં ઉભા રહેવાની મુશ્કેલીમાંથી રાહત મળશે. આ નવી ડિજિટલ પહેલથી ખાતર વિતરણ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે, સમયસર ખાતર ઉપલબ્ધ થશે તેમજ ખેડૂતોને વધુ સરળ અને વિશ્વસનીય સેવા પ્રાપ્ત થશે. સાથે સાથે ખાતર વેચાણ અને વિતરણ વ્યવસ્થામાં પણ વધુ કાર્યક્ષમતા આવશે. ખાતર વિક્રેતાઓ, સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને જરૂરી માર્ર્ગદર્શન અને સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુ માહિતી માટે નજીકની કૃષિ કચેરીનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક સાબરકાંઠાની યાદીમાં જણાવાયુ છે.










