પ્રાંતિજ પોલીસે ચોરીની મોટર સાયકલ સાથે એક શખ્સને ઝડપી લઇ ગુજરાત તેમજ રાજસ્થાનમાં 10થી વધુ મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે ચોરીની 10 મોટર સાયકલ કિંમત રૂ.2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા એક શખ્સની વધુ પુછપરછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. આ અંગે પ્રાંતિજ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પ્રાંતિજના પીઆઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઇસમ ચોરીની મોટર સાયકલ સાથે હિંમતનગરથી અમદાવાદ તરફ જવાનો છે. જે બાતમીના આધારે કમાલપુર ગામની સીમમાં આવેલ કોલેજ ત્રણ રસ્તા પાસે પોલીસે વોંચ ગોઠવી હતી અને વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક નંબર પ્લેટ વગરની મોટર સાયકલ લઇને આવતો ચાલક શંકાસ્પદ રીતે બાઇક હંકારી લઇ જતો હતો. તેને રોકી પોલીસે મોટર સાયકલના કાગળ માંગતા તેણે તેની પાસે કોઇ કાગળ ન હોવાનું જણાવ્યુ હતું. જેથી પોલીસે તેની વધુ પુછપરછ કરતાં તેણે તેનું નામ નિર્મલસિંહ વાલસિંહ ગરાસીયા (ઉ.વ.21), (રહે. સરલી થાના, કોટડા, તા.ઢેડમારીયા, જિ.ઉદેપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યુ હતુ. મોટર સાયકલના ચેચીસ નંબર તથા એન્જીન નંબરની તપાસ કરતાં આ મોટર સાયકલ રાજસ્થાનના શિરોહી જિલ્લાના રેવદર ગામે ખેતરમાંથી ચોરી કરી હોવાનું માલુમ પડયું હતુ. પોલીસે રેવદર પોલીસ સ્ટેશનમાં તપાસ કરતાં મોટર સાયકલની ચોરી અંગે ફરિયાદ નોંધાઇ હોવાનું માલુમ પડયુ હતુ. જે અંગે પોલીસે નિર્મલસિંહ ગરાસીયાની અટકાયત કરી પ્રાંતિજ પોલીસમાં લાવીને વધુ પુછપરછ કરતાં તેણે અલગ - અલગ કંપનીની 10 મોટર સાયકલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ગુજરાત તથા રાજસ્થાનમાંથી મળી કુલ ચોરી કરેલી 10 મોટર સાયકલ કિંમત રૂપિયા 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો