તલોદ : સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે પુલ અને સર્વિસ રોડનું કામ હાલ ચાલી રહ્યું છે. લાંબા સમયથી અટકેલા કામમાં હવે ગતિ જોવા મળી રહી છે, પરંતુ ચોમાસાની શરૂઆત સાથે જ નવા બનતા સર્વિસ રોડના લેવલ (ઢાળ) અંગે સ્થાનિકોમાં સવાલો ઊભા થયા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નવા બનાવાયેલા RCC સર્વિસ રોડ પર પ્રથમ વરસાદમાં જ અનેક સ્થળોએ પાણી ભરાઈ રહ્યું છે. જો રોડનું લેવલ યોગ્ય રીતે નક્કી કરવામાં આવ્યું હોત, તો વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઈ શક્યો હોત. પાણી લાંબા સમય સુધી રોડ પર જ રહે તો ભવિષ્યમાં રોડને નુકસાન થવાની તેમજ તેની ગુણવત્તા પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે, રોડના કામ દરમિયાન લેવલિંગ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. કેટલાક સ્થળોએ સર્વિસ રોડની સાઇડ પણ નબળી દેખાતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તલોદ વિસ્તારમાં વરસાદી પાણીનો પ્રવાહ વધુ રહેતો હોવાથી, રોડનું લેવલ અને ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય રીતે તૈયાર કરવી અત્યંત જરૂરી હોવાનું લોકોનું માનવું છે. જો આ મુદ્દે સમયસર ધ્યાન આપવામાં નહીં આવે તો ભૂતકાળમાં સર્જાયેલી ટ્રાફ્કિની સમસ્યા અને ખાડા-ખાબોચિયાવાળા રસ્તાની સ્થિતિ ફરી સર્જાઈ શકે છે. સ્થાનિકોએ સંબંધિત વિભાગ અને એન્જિનિયરોને સર્વિસ રોડના લેવલની સ્થળ પર તપાસ કરી જરૂરી સુધારા કરવા તેમજ ગુણવત્તાયુક્ત કામ સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. સાથે જ પુલ અને સર્વિસ રોડનું કામ ઝડપથી અને તકનિકી ધોરણો મુજબ પૂર્ણ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.
