સાબરકાંઠા જિલ્લામાં જુલાઈ મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ નથી ત્યારે જિલ્લાવાસીઓ ગરમી અને બાફથી અકળાઈ રહ્યા છે ત્યારે બુધવારે રાત્રે અને ગુરૂવારે વહેલી સવારે વાતાવરણમાં આવેલા પલટા બાદ હિંમતનગર તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલ ગ્રામ્ય પંથકમાં વરસાદના ઝાપટા પડયા હોવાને કારણે આ વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ મગફળી અને કપાસના પાકને આંશિક ફાયદો થયો છે જોકે તે સિવાય અન્ય વિસ્તારોમાં ગુરૂવારે બપોર સુધી વરસાદ પડયો નથી. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે અલનીનોની અસરને કારણે વરસાદ શરૂ થયો નથી ત્યારે બુધવારે રાત્રે અને ગુરૂવારે વહેલી સવારે હિંમતનગર તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલ હિંમતપુર, ચાપલાનાર, ચાંદરણી, ગાંભોઈ સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદ પડયો હતો. જેને કારણે આ પંથકના ગામડાઓમાં રસ્તાઓ ભીના થઈ ગયા હતા. જેના લીધે લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોનું કહેવું છે કે, વરસાદ થવાને કારણે કપાસ અને મગફળીના પાકને ફાયદો થશે. જોકે જિલ્લાના અન્ય તાલુકાઓમાં અનેક ખેડુતોએ આગોતર કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધુ છે તેવા ખેડુતોએ પાકને બચાવવા માટે ફુવારા પધ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો