ગાંભોઈ : હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકમાં આખા દિવસના અસહ્ય ઉકળાટ અને બફરા બાદ ગુરુવારે બપોરે આશરે ચાર વાગ્યાના સુમારે વરસાદી ઝાપટું વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગાંભોઈ સહિત રૂપાલ, રાયગઢ, રાજેન્દ્રનગર, અડપોદરા, પેઢમાલા, માળી, ખેડ, ગાયત્રીકંપા, ઝુંપ, વાસણા અને હાથરોલ ગામોમાં વરસાદ નોંધાતા લોકોને ગરમી અને બફરામાંથી રાહત મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા કપાસ, મગફ્ળી સહિતના ચોમાસુ પાક પર અસર જોવા મળી રહી હતી. જેના કારણે ખેડૂતો ડ્રિપ, ફુવારા તેમજ ટપક પદ્ધતિ દ્વારા પિયત આપી પાકને જીવંત રાખવાના પ્રયાસો કરી રહ્યા હતા.
